Saturday, August 20, 2011

બાય ધ પીપલ (લોકોને ખરીદો!)

અણ્ણા હજારે, બાબા રામદેવ આંદોલન કરી રહ્યા છે. રામદેવજી શરીરના રોગ ભગાવવા માટે યોગ કરતા હતા. હવે સામાજિક રોગ ભગાવવા માટે પણ યોગ કરી રહ્યા છે ત્યારે એક ત્રીજા યોગી જેવા માણસની યાદ આવે છે, તે છે રજનીશજી યાને કે ઓશો.

તેમની વાત સમજતા પહેલાં એક ઝલક...

ઝૂંપડપટ્ટીના માણસો ખુશ હતા. ચૂંટણી આવતી ત્યારે જાણે દિવાળી આવી. ઘરે ઘરે નવાં કપડાં પહોંચતા. ઘરે ઘરે સાડીઓ પહોંચતી. ઝૂંપડાંવાળા નવાં કપડાં જોતાં, ગંદા ઉમેદવારને નહીં. પરિણામે ગંદો ઉમેદવાર ચૂંટાઈ જતો. સારા સારા ઉમેદવારની ધૂલાઈ થઈ જતી. નેતાજી કહેતા ઝૂંપડાંવાળાના મત મળશે એટલે જીતવાના છીએ. તેમણે તેમના મદદનીશને કહ્યું, “જો મનસુખ, આ લેઈકવ્યુ સોસાયટીમાં પચાસ બંગલા છે તેમાં દોઢસો મત છે. તેમાંથી પચીસ મતદારો જ મત આપવા જતા હોય છે.”

“બરાબર છે સાહેબ.”

“એ લોકો પાછળ દોડવાની જરૂર નથી. સામે ઝૂંપડપટ્ટીમાં બસ્સો મત છે. એ તમામ મત પડવાના. બસ સાડીઓ વહેંચો, પૈસા વહેંચો. એ મતો આપણામાં આવી જશે.”

“વાહ વાહ નેતાજી, ઝૂંપડાંવાળા તમને મહેલમાં બેસાડશે.”

***

પ્રોફેસર ચતુર્વેદી ખૂબ જ અભ્યાસી, સમાજના પ્રશ્નોની વાતો કરે લોકો મંત્રમુગ્ધ થઈ સાંભળે. ઉમેદવાર જેઠાલાલને ખબર કે પ્રોફેસર એમને કોઈ કાળે મત ન આપે. જેઠાલાલ ઉમેદવાર હતા, પણ દેશના વિકટ પ્રશ્નો વિશે ગતાગમ નહીં મળે.

હાઈકમાન્ડને ખબર હતી કે જ્ઞાતિના હિસાબે જેઠાલાલ જીતી જશે. હાઈકમાન્ડે કહ્યું, “આપણે જીતે તેવો ઉમેદવાર જોઈએ. હોશિયાર, બુદ્ધિશાળી, અભ્યાસી હોય તે જરૂરી નથી.” જેઠાલાલે મતપ્રચાર વખતે પ્રોફેસરને મળવા જવાની જ ના પાડી દીધી. તેણે મદદનીશને કહ્યું, “યાર યે પ્રોફેસર બોલતા બહોત હૈ, જાણે કે હું તેનો સ્ટુડન્ટ હોઉં.” સહાયકે નિઃસહાય અવાજે કહ્યું, “તમે એના સ્ટુડન્ટ નથી, પણ એ તમારો મતદાર તો છેને! વિદ્વાન પણ છે.”

“વિદ્વાન કો મારો ગોલી, વિદ્વાનને કેટલા વોટ હોય છે?”

“બંધારણ પ્રમાણે વિદ્વાનને પણ એક જ વોટ હોય છે, સર.”

“બસ, તો એ વિદ્વાન પ્રોફેસર તો અભણ ઘાટી ચંદુ અને તેની ઘરવાળી મંછા અને તેના દીકરાના મત આપણને મળશે.”

ખરેખર જ એવું બન્યું. અભણ કામવાળાના મત વધુ કામ આવ્યા, જેઠાલાલ સંસદસભ્ય થઈ ગયા. પ્રોફેસરે એ દિવસે ઉપવાસ કર્યો.

***

“સાહેબ, તમારી સામે ઊભેલા ઉમેદવાર ભગતભાઈ ખૂબ જ સંનિષ્ઠ છે. અભ્યાસી છે, તેઓ તમારા કરતાં વધુ યોગ્ય ઉમેદવાર છે, તેવું છાપાંવાળા લખે છે.”

“મહેતા, તમે મે’તા જ છો. ભગત આપણી સામે ભલે ઊભા પણ પરિણામ વખતે તો સૂઈ ગયા હશે.”

“એમ?”

“હા, એ અભ્યાસી ભગતને કોણ વોટ આપશે?”

“લોકો.”

“અલ્યા, ભણેલા વોટ આપવા જતા નથી. નહીં ભણેલા અંગૂઠાછાપ લોકો મત આપવાનું છોડતા નથી. ભગતની ભક્તિ આમાં કામમાં નહીં આવે.”

“એટલે?”

“આપણે અભણ લોકોના મતથી સંસદસભ્ય થવાનું છે, ડેમોક્રેસી બાય ધ પીપલ કહેવાય છેને?”

“હા.”

“બસ તો બાય-ધ પીપલ, લોકોને બાય કરી લો, મતલબ કે ખરીદી લોય, અભણ લોકોને ખરીદવા શું અઘરા છે મે’તા?”

***

આ બધું જોઈને રજનીશજીએ કહ્યું હતું, આ દેશમાં ડેમોક્રેસી નહીં, મેરિટોક્રસી જોઈએ. સંસદમાં મત આપનાર ગ્રેજ્યુએટ તો હોવા જ જોઈએ તેવું ઓશો માનતા હતા. જેથી પ્રોફેસરનો વોટ-કામવાળાના વોટથી ‘નલીફાઈડ’ નહીં થાય. રજનીશજીના શિષ્યોએ આ ચળવળ ઉપાડવી જોઈએ.

વાઈડ બોલ

“વિકાસ માટે હું કાંઈ પણ કરીશ.” નેતાજીએ માઈક ઉપર ગર્જના કરી.

તેમના પુત્રનું નામ વિકાસ હતું!!

No comments: