Monday, August 15, 2011

કોનો બાપ બુઢ્ઢો?

કાણાને કાણો કહેવાય નહીં, તેમ બુઢ્ઢાને બુઢ્ઢો ન કહેવાય... નહિતર અકળાયેલો બુઢ્ઢો કહી દે ‘બુઢ્ઢા હોગા તેરા બાપ.’

આપણે ત્યાં કોઈને કાકા કહેવા એ પણ ઘણાને ગાળ જેવું લાગે છે. કેટલાક સમય પહેલાં બાઈક ઉપર ભાગતા યુવકને પોલીસે અટકાવ્યા, તેણે પોલીસને કહ્યું,”કાકા, લાલ લાઈટ થાય તે પહેલાં હું નીકળી ગયો છું.” કાકા શબ્દ સાંભળતાં જ પોલીસ મહાશય લાલ લાઈટ ભૂલી ગયા અને લાલ લાલ થઈ ગયા. તેણે તે યુવકને એક દંડો ફટકારી દીધો. બુઢ્ઢા હોગા તેરા બાપ

એ અંદાજમાં.

‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ અમિતાભ બચ્ચનનું પિક્ચર.

આ કોઈ મોટા બેનરની ફિલ્મ નહીં. પણ મારા બેંકર મિત્ર શ્રીવર્ધને એ જોવાનું નક્કી કર્યું હતું.

“મિત્ર, મને લાગ્યું કે પિક્ચર કદાચ સારું ન પણ હોવા છતાં આખીર તે બચ્ચનની ફિલ્મ છે.”

શ્રીવર્ધન કહે, “ટ્વિંકલ ખન્નાનો બાપ બુઢ્ઢો કહેવાય (જ) સની દેઓલનો બાપ પણ બુઢ્ઢો લાગે છે, રણધીર કપૂરનો બાપ પણ બુઢ્ઢો લાગે છે... પણ...”

“પણ-પણ શું?”

“અભિષેક બચ્ચનનો બાપ બુઢ્ઢો નથી લાગતો અને છે પણ નહીં એ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ફિલ્મે સાબિત કર્યું છે.”

ભોગીલાલ સિંદબાદ કહે છે, “આ ફિલ્મનું ગુજરાતીકરણ થાય અને ગુજરાતી ટાઈટલ આપવાનું થાય તો આને ‘સંઘર્યો બાપ પણ કામનો’ એવું ટાઈટલ આપી શકાય. એક બાપ પુત્રને કેટકેટલી સહાય કરી શકે છે તેની વાત છે.”

ફિલ્મનો હીરો અમિતાભ હોય તે સ્વાભાવિક છે. તેની હિરોઈન હેમામાલિની છે. ખરેખર જોવા જઈએ તો હેમામાલિની પણ હિરોઈનને બદલે ગેસ્ટ આર્ટિસ્ટ હોય એવો જ તેનો રોલ છે.

બીજી હિરોઈન રવિના ટંડન છે તેનો તો ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે જ ઉલ્લેખ કર્યો છે.

બચ્ચન ગેંગસ્ટર છે. (કે હતો) તેની પત્ની તેની માફિયાગીરીથી કંટાળી તેને છોડી દે છે અને પુત્રને પોલીસ ઓફિસર બનાવે છે. સામાન્યતઃ માફિયા અને પોલીસને સંબંધ તો હોય જ છે. આ ફિલ્મમાં માફિયા અને પોલીસ ઓફિસરને પિતા-પુત્રનો સંબંધ છે. બાપ ગેંગસ્ટર છે. પુત્ર ઉચ્ચ પોલીસ અધિકારી છે.

ફિલ્મમાં જૂના બચ્ચનની ઝલક જોવા મળે, ‘દીવાર’માં તે એન્ગ્રી યંગમેન હતો, આમાં એન્ગ્રી ઓલ્ડમેન છે. જૂની ફિલ્મનો સંવાદ ‘હમ જહાં ખડે હોતે હૈ, લાઈન વહાં સે શુરુ હોતી હૈ’ એ સંવાદ આ ફિલ્મમાં ફરી બોલાય છે. આ બચ્ચનનો ટ્રેડમાર્ક સંવાદ ગણાય છે. સિંદબાદ કહે છે,” ખરેખર તો સંવાદ એવો હોવો જોઈએ કે ‘હમ જહાં ખડે હોતે હૈ બાદ મેં નવ નંબર છોડ કે લાઈન શુરુ હોતી હૈ’ ખરેખર એવું જ છે.” અમિતાભ તો નંબર એક છે પછી દસ નંબર સુધી કોઈ નથી, કોઈને પણ અપાય તેમ નથી. એટલે બચ્ચનની લાઈન એક પછી અગિયારથી શરૂ થાય છે તેમ કહેવાય છે.

એક દર્શકે કહ્યું હતું, “શાહરુખ- સલમાને, અમિતાભમાંથી ઘણું બધું શીખવાનું છે.”

દિગ્વિજયસિંહ (જી)નું ધ્યાન આ ફિલ્મ તરફ ગયું નથી એમ લાગે છે. કોઈ ફિલ્મ દર્શક કે વિવેચક (ક્રિટિક)ની નજરમાં પણ આ વાત નથી આવી. આ ફિલ્મમાં ‘ભગવા આતંક’નો ઈશારો છે. ગેંગસ્ટર બચ્ચનની મદદમાં એક હિંદુ ધાર્મિક ગુરુ પણ છે જે બચ્ચનને હથિયાર અને બોમ્બ પૂરાં પાડે છે. દિગ્વિજયસિંહજીએ આ મુદ્દા ઉપર જ કોંગ્રેસશાસિત રાજ્યોમાં તેને કરમાફી મળે તેવી ભલામણ પણ કરવી જોઈએ!

મૂળ વાત એ હતી કે પોલીસ ઓફિસર કરણને મારવા માટે ગુંડાઓ પ્રયાસ કરતા હતા, ત્યારે ગેંગસ્ટર બચ્ચન તેને ઝેડ સિક્યુરિટી પૂરી પાડે છે. પેલાને ખબર પણ નથી કે આ તો મારો બાપ છે. (અભિનયમાં તો એ બધાનો બાપ છે જ) ફિલ્મનું નામ એવું પણ રાખી શકાત ‘બાપ હો તો ઐસા’ અથવા ‘બાપ હી તો હૈ’

છગન કહેતો હતો, “સેહવાગ ત્રણસો રન મારી શકે છે. એ જોવાની મજા આવે જ, પણ સેહવાગ પચાસ રન કરે તે પણ જોવાની મજા આવે જ. બચ્ચનનું પણ એવું છે એના ત્રણસો રનની એક્ટિંગ હોય કે પચાસ રનની એક્ટિંગ મજા પડે જ. આ ફિલ્મમાં તમને એ જ અહેસાસ થશે.

વાઈડ બોલ

“સાહેબ, આ પાકિટ લઈ જાવ, એકદમ સરસ છે.” વેપારીએ કહ્યું, “સરસ છે, પણ એ ખરીદ્યા પછી એમાં મૂકવા માટે મારી પાસે કશું નહીં હોય.”

No comments: