Saturday, August 6, 2011

આતી ક્યા કેનેડા?

હિન્દી ફિલ્મોવાળા અત્યાર સુધી પરદેશમાં શૂટિંગ કરતા હતા. હવે એવોર્ડ ફંક્શન પણ પરદેશમાં કરે છે. ટોરેન્ટો કેનેડામાં બોલિવૂડ ભેગું થયું હતું. આખું બોલિવૂડ ભેગું થયું હતું એમ હું લખવા જતો હતો પણ એમ કહી શકાય કે ‘ટીમ-શાહરુખ’ કેનેડા ગઈ હતી.
આ એવોર્ડ કલાકારોએ હિંદી ફિલ્મોમાં આપેલા ‘પરફોર્મન્સ’ માટે કલાકારોને અપાયો કે શાહરુખ ખાનને ‘પ્રમોટ’ કરવા આ કાર્યક્રમ થયો હતો તે કહેવું મુશ્કેલ હતું.
આ એવોર્ડ ફંક્શનમાં ક્યાંય પણ અમિતાભ બચ્ચનની હાજરી દેખાતી ન હતી. તેનો પડછાયો પણ આ ફંક્શન ઉપર ન પડે તેની તકેદારી રાખવામાં આવી હતી. પહેલાંના વખતમાં કોઈનું નોતરું કાપવા માટે જમણવાર કરવામાં આવતો હતો. જમણવાર થાય પણ અમુક લોકોને જાણીજોઈને નોતરું આપવામાં ન આવે. આ કેનેડાનું ફંક્શન પણ જાણે નોતરું કાપવા માટે યોજાયું હોય તેવું લાગતું હતું. અમિતાભ બચ્ચન નહીં, અભિષેક બચ્ચન નહીં. બચ્ચન કુટુંબનું કોઈ નહીં. કેટલાક વખત પહેલાં બચ્ચને શાહરૂખ ખાનને જન્મદિનનાં અભિનંદન પાઠવ્યાં હતાં. પણ શાહરૂખે તેનો પ્રતિભાવ નહીં આપેલો. શાહરૂખે ચેનલને ઈન્ટરવ્યૂમાં કહ્યું, “હા ,મેં પ્રતિભાવ નહીં આપેલો, તમારી ચેનલ મારફત સોરી કહી દઉં છું. ફોન ઉપર સોરી નહીં કહું.”
એટલું જ નહીં સલમાન, સંજય દત્ત, અક્ષયકુમાર કોઈનો ભાવ નહીં પૂછેલો. શ્રેષ્ઠ કલાકાર તરીકે પણ દેખીતી રીતે શાહરુખ ખાનને ‘માય નેમ ઇઝ ખાન’ની અદાકારી માટે અપાયો. ઋત્વિક રોશન ત્યાં હતો, પણ ‘ગુજારીશ’ માટે તેને એવોર્ડ મળવો જોઈએ તેવું ઘણાને લાગતું હતું પણ ખાનને એવોર્ડ ગયો. ‘ગુજારીશ’ના ઋત્વિકના કામ માટે અક્ષયકુમારે ખેલદિલીથી કહ્યું હતું, “ઋત્વિક આમ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારાથી જુનિયર છે પણ ‘ગુજારીશ’નું કામ જોતાં કહી શકાય કે આ મારાથી અદાકારીમાં સિનિયર છે.”
સિંદબાદે સવાલ કર્યો. “આ એવોર્ડ્ઝ ભારતીય ફિલ્મી કલાકારો માટે હતાને?”
“હાસ્તો, એમ જ હોય ને.”
“તો પાકિસ્તાની ગાયક રાહત ફતેહઅલીને કેમ શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ અપાયો?”
“આવો સવાલ આપણાથી પૂછી શકાય તેમ નથી.”
“કેમ?”
“કારણ કે ખુદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિક અબ્દુલ ગફારખાનને ભારતરત્ન એવોર્ડ આપ્યો છે. આઈફાના આયોજકો કહી શકે કે તમે એક પાકિસ્તાની નાગરિકને ભારતરત્ન બનાવી શકો તો અમે એક પાકિસ્તાનીને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ ન આપી શકીએ!” રાહત ફતેહઅલીને મળેલા એવોર્ડથી ઘણાં નારાજ હતા. ઘણાં ભારતીય ગાયકો દાવેદાર હતા પણ હવાઈમથકે પૈસાની હેરાફેરીમાં પકડાયેલા પાકિસ્તાનીને એવોર્ડ અપાયો!! હા, શ્રેષ્ઠ ઘપલાબાજ ગાયકને એવી કોઈ કેટેગરીમાં એવોર્ડ અપાયો હોત તો ઠીક હતું.
કેટલાક આ ફંક્શનને ‘એવોર્ડ ફિક્સિંગ’ ફંક્શન કહે છે.
છગન કહે છે, “ટોરેન્ટોના કાર્યક્રમને ‘શાહરુખ ખાનની ભવાઈ’ એવું નામ આપી શકાય.”
આપણા કેટલાક ગુજરાતી મિમિક્રી આર્િટસ્ટ જે રીતે કલાકારની નકલના કાર્યક્રમ સ્ટેજ ઉપર રજૂ કરે છે તેમ શાહરૂખ ખાને જુદાં જુદાં ગીતોની વાહિયાત તુક્કાભરી નકલ રજૂ કરી હતી.
સલમાનની ‘દબંગ’ ફિલ્મના ખૂબ લોકપ્રિય થયેલ ગીતની તેણે મજાક ઉડાવી હતી, શાહરૂખે કહ્યું, “ખરેખર તો સલમાન ખાનનું પેન્ટ ઢીલું પડતું હતું એટલે તે પેન્ટ પકડીને ગીત ગાતો હતો, પ્રોબ્લમ હતો લૂઝ સ્ટિચિંગનો.”
એ જ રીતે ‘ગુલામ’ના પ્રખ્યાત ગીત, આતી ક્યા ખંડાલાની મજાક કરતાં કહ્યું, “શૂટિંગ વખતે આમિરને બોચી ઉપર મચ્છરો કરડતાં હતાં એટલે મચ્છરોના ડંખ ઉપર પોતાનો રૂમાલ ઘસતાં ઘસતાં ગાતો હતો આતી ક્યા ખંડાલા?”
સિંદબાદ કહે છે, “ટોરેન્ટોના ફંક્શન ઉપર પણ ગીત બની શકે. ‘આતી ક્યા કેનેડા?”
“ક્યા કરુ આ કે મૈં કેનેડા?”
“ફિરેંગે, નાચેંગે લોગોં કી ખીલ્લી ઉડાયેંગે ઔર ક્યા?”
વાઈડબોલ
ભોગીલાલ સિંદબાદ ખાડિયાને હાસ્યનું કાશી કહે છે.
ઘણા ખરા હાસ્યલેખકોનાં મૂળ ખાડિયા સાથે છે.

No comments: