Saturday, November 27, 2010

બાપુ અને બેન્ક

બાપુ યાને ગાંધીજી કેવળ રાજકારણી ન હતા. કેવળ આધ્યાત્મવાદી ન હતા. એ તો ‘વર્સેટાઈલ’ વ્યક્તિત્વધારી હતા. વિશ્વની કોઈ ને કોઈ બાબત ઉપર ગાંધીજી કાંઈ ને કાંઈ કરી ગયા છે. તે કોઈ પણ બાબત ‘એનીથિંગ અન્ડર ધ સ્કાય’ વિશે બોલી શકતા. (સોમવાર સિવાય) અમદાવાદ, મહેમદાવાદ, ઔરંગાબાદ દરેક સ્ટેશન ઉપર તેમની ગાડી ઊભી રહેતી. તમે એવો કોઈ પણ વિષય શોધી ન શકો જેમાં બાપુએ કશું કહ્યું ન હોય.

ગાંધીજી ન બોલ્યા હોય તેવી કોઈ બાબત છે ખરી? ત્યારે નેપોલિયન પણ બોલી ઊઠે ‘અશક્ય’.

ગાંધીજી મૌન વિશે પણ બોલેલા. મારામાં પણ ગાંધીગીરીની અસર ખરી. શાળા વકૃતૃત્વ સ્પર્ધામાં મૌન વિશે હું અર્ધો કલાક બોલેલો. એ તો છોકરાઓએ તાલીઓ પાડીને મને બેસાડી દીધો હતો. નહીંતર મૌન વિશે બીજો અર્ધો કલાક હું આરામથી બોલત.

અત્યારે ઘણા લોકોને બેન્કોની સેવા કથળી ગઈ છે તેમ લાગે છે. એ લોકો કહે છે ‘વી કાન્ટ બેન્ક અપોન બેન્ક્સ’ એટલે કે બેન્કનો આધાર રાખી શકાય તેમ નથી. એક ભાઈ બેન્કમાં ખાતું ખોલાવવા ગયા ત્યારે અધિકારીએ તેમનું સરનામું પૂછતાં પેલાએ સરનામું કહ્યું. ‘ઓકે તમે ઘોડાસર રહો છો અને જવાહરચોકની બેન્કમાં ખાતું ખોલાવવા આવ્યા છો? બેન્ક અધિકારીએ એ રીતે પૂછયું જાણે કે ભાઈએ કોઈ ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો કર્યો હોય.

‘‘ના. ના, આ રસ્તે હું રોજ આવતો જતો હોઉં છું એટલે થયું કે આ બેન્કમાં ખાતું ખોલાવું.’’

‘‘મિસ્ટર, તમારા ઘરેથી અહીં આવતા બીજી દસ બેન્ક રસ્તામાં આવે છે. બીજું કોઈ ન મળ્યું તે અમારી બેન્ક જ તમારી ઝપટે ચડી?’’ એ બેન્કરનું ભૌગોલિક જ્ઞાન સારું હતું. આગંતુકના ઘરથી તેમની બેન્ક સુધીની તમામ અન્ય બેન્કના સ્થળથી તેઓ માહિતગાર હતા. વળી શેરબજારનું કોઈક કાગળિયું તેઓ ભરી રહ્યા હતા. તેમાં મુલાકાતીએ વિઘ્ન નાખ્યું હતું તેથી તેઓ નારાજ પણ હતા.

ગાંધીબાપુએ અન્ય અનેક વિષયો ઉપર પોતાનાં મંતવ્યો જાહેર કર્યાં પછી બેન્ક અને ગ્રાહક વિશે પણ તેમણે અભિપ્રાય પ્રગટ કર્યો છે. જે બેન્કની હજ્જારો શાખામાં સરસ રીતે મઢાવીને લટકાવેલા દેખાઈ આવે છે. કહે છે કે બાપુને પણ બેન્કના ગ્રાહક પ્રત્યેના વર્તાવનો અનુભવ થઈ ચૂક્યો હતો. ગોડસેએ એમને ગોળી મારી તે પહેલાં કોઈ બેન્કરે તેમને ઘાયલ કરેલા. કહે છે ગાંધીજી ખાતું ખોલવા ગયેલા પણ બેન્કરે કરેલા અટપટા સવાલોથી તે ઘાયલ થઈ ગયેલા. ‘હું કાગડા કૂતરાને મોતે મરીશ, પણ ખાતું ખોલાવ્યા વગર નહીં આવું’. એવું બાપુ બોલ્યા ન હતા. એટલે બાપુ બેન્ક અધિકારીના વર્તાવથી નિરાશ થઈ સ્વગૃહે પરત ફરેલા. બાપુ જીવનની અંતિમ ક્ષણે છેલ્લે ‘હે રામ’ બોલેલા. પણ સૌ પ્રથમ બેન્કમાં થયેલા કડવા અનુભવના કારણે બોલેલા ‘હે રામ’! ગાંધીજીને રામ તરફ વાળવાવાળા સૌ પ્રથમ બેન્કવાળા જ હતા. એ સમજવા માટે ગાંધીજીએ બેન્કરોને સલાહ આપતાં સુવાક્યો વાંચશો તો સમજાઈ જશે.બાપુએ બેન્કવાળાને જે સલાહ આપી છે તેમાં સૌ પ્રથમ વાક્ય છે, “ગ્રાહક એ આપણે ત્યાં આવતી સૌથી અગત્યની વ્યક્તિ છે.’ એ આપણા ઉપર આધાર રાખનાર વ્યક્તિ નથી, પણ આપણે તેના ઉપર આધાર રાખનાર છીએ. (જરા સમજો!) ગ્રાહક એ આપણા કામની રૂકાવટ નથી, પણ આપણી કામગીરીનો હેતુ છે. એ આપણને દખલ નથી પહોંચાડતા. ગ્રાહક આપણાં ધંધા માટે બહારની વ્યક્તિ નથી, પણ તે આપણા જ પરિવારનો સભ્ય છે.

આપણે તેનું કોઈ કામ કરીને તેની ઉપર મહેરબાની નથી કરતા પણ તેની મહેરબાની છે કે તે આપણને તેનું કામ સોંપે છે. આપણને સેવા કરવાની કે કામ કરવાની તક આપે છે.” લાગે છે કે બાપુને બેન્કોનો બરાબર અનુભવ થયો હશે, નહીંતર આટલું માર્મિક નિવેદન ન કરે. છગન કહેતો હતો કે બેન્કવાળાનું રાષ્ટ્રગીત છે. ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...’ મારે ત્યાં શું કામ આવો છો? બીજે જાવ ને! સિંદબાદ કહે છે : ગાંધીજીની આટલી સરસ વાતો બેન્કવાળાએ દરેક શાખામાં મઢાવીને મૂકી છે. પણ તે અધિકારીને વંચાય તે રીતે નહીં? એ લોકો પગારની ગાંધીછાપ નોટો ખિસ્સાંમાં મૂકે છે. બાપુની સલાહ ટેબલ પાસે પડેલ ડસ્ટબિનમાં જવા દે છે.

વાઈડ બોલ

ઉદ્ઘાટન થઈ ચૂકેલા ઈન્ફર્મેશન સેન્ટરનું શિક્ષણ મંત્રીએ ફરી ઉદ્ઘાટન કર્યું.

- સમાચાર

‘મંત્રીશ્રી પાસે તેની ઈન્ફર્મેશન નહીં હોય!’

Tuesday, November 23, 2010

સવાલ લાખ રૂપિયાનો...

બીગ-બોસમાં પામેલા આવી ગઈ. છગન કહે છે કે પામેલા એ બલા છે જે તે પામેલા પણ પસ્તાય છે અને ન પામેલા પણ પસ્તાય.

કૌન બનેગા કરોડપતિમાં કરોડ રૂપિયાનો સવાલ ભલે હોય પણ આપણી બોલચાલની ભાષામાં તો સવાલની કિંમત લાખ રૂપિયા સુધી જ પહોંચી છે. ગમે તેવો અઘરો કે અગત્યનો સવાલ પણ આપણને વધુમાં વધુ ‘લાખ રૂપિયાનો સવાલ’ લાગે છે પણ સિંદબાદ કહે છે કે ક્યારેક તો સવાલ કરતાં ય જવાબની કિંમત વધી જતી હોય છે. ‘તમારી પત્નીનું તમે ગળું દબાવી દીધું ત્યારે તમે ક્યાં હતાં?’ આ સવાલનો જવાબ નહીં, પણ જવાબ ટાળવાના લાખ્ખો રૂપિયા હોઈ શકે. દેશમાં આવતા પરદેશીઓની આકરી પૂછપરછ કરાતી હોય છે. તેમના ઉપર નજર રખાતી હોય છે. હવે તમે સવાલ કરો જો આટલી સજા સરકાર કરતી હોય તો કરોડ જેટલા બંગ્લાદેશીઓ કેમ ઘૂસી ગયા છે? તમારો આ સવાલ એક પઈનો ગણાય. ગાંધીજીના એક પૌત્રની જન્મભૂમિ દક્ષિણ આફ્રિકા છે. ગાંધીજીના પૌત્રને દેશમાં પ્રવેશ આપતા પહેલાં સજાગ અધિકારીએ સવાલો શરૂ કર્યા. ‘તમારી રાષ્ટ્રીયતા દક્ષિણ આફ્રિકા કેમ છે?’

સર, મારો જન્મ દ.આફ્રિકામાં થયો હતો એટલે.

ઓ.કે. ઓ.કે. તમારો જન્મ દ.આફ્રિકામાં થયેલો એમ ને મિ. ગાંધી?

‘હા જી’.

‘ઓ.કે. તમારો જન્મ થયેલો ત્યારે તમારી માતા ક્યાં હતાં?’ સજાગ અધિકારીએ સવાલ કર્યો.

આ સવાલને તમે લાખનો કે કેટલા રૂપિયાનો કહેશો?

આવા જ એક ટીવી કાર્યક્રમમાં સંચાલક યુવતીએ એક સ્પર્ર્ધકને પૂછયું, ‘તમે પરણેલા છો?’

છગનને મેં પૂછયું તને પેલી યુવતીએ પૂછયું હોત તો તું શું જવાબ આપત? છગન વિચારમાં પડી ગયો પછી કહે, ‘હું જવાબ આપત કે મારાં લગ્ન આમ તો થયેલાં છે પણ બીજી વારનો વાંધો નથી. જો તમારી તૈયારી હોય તો’.

સિંદબાદને પૂછયું, ‘તું આ સવાલનો જવાબ શું આપત’?

‘હું તો લાખ રૂપિયા લેવા આવ્યો છું. સવાલથી ન મળે તો જો લગ્નમાં લાખનો ચાંલ્લો ગેરન્ટેડ હોય તો તે પણ ચાલશે.’

ઇતિહાસ સાથે અનુસ્તાનક એક થયેલા મિત્રને મેં પૂછયું, ‘મહેતા, તને આ યુવતીએ પૂછયું હોત કે તમે પરણેલા છો તો તમે શું કહેત?’

એ કહે, હું યુવતીને કહું, ‘તમે જો પરણવા માટે આ રીતે પ્રસ્તાવ મૂકતા હો તો કહું એ સુંદરી, જો મારી માતા તમારા જેવી સુંદર હોય તો હું પણ તમારા જેવો સુંદર હોત’.

‘પછી એ યુવતી શું જવાબ આપત તે ખબર છે!’

‘શું જવાબ આપત?’

‘અચ્છા, તો તમારા પિતા માટે માગું લઈને આવ્યા છો એમને?’

છગને પાછું કંઈક યાદ આવતા કહ્યું, ‘જો મને આ સવાલ પૂછત તો કહેત આ સવાલ માહિતી માટે છે કે માગું નાખવા માટે છે?’ અને પછી કહેત ‘મેડમ, એમ કરો આ રીતે સવાલે સવાલે કુંવારી થવાને બદલે છાપામાં લગ્નવિષયક ટચૂકડી જાહેરખબર આપી દો ને!’

અને વાત પૂરી થઈ.

ગૂગલી

દરેક માણસ મરે તો છે જ. પણ ખરેખર જીવી જાણનાર કેટલા?

Saturday, November 20, 2010

ઓબામા-ગાંધી ડિનર

ઓબામા આવ્યા અને ગયા.

તેમના આગમન વખતે એક પ્રશ્ન ઉછળ્યો હતો. ‘‘તમે કોની સાથે ડિનર લેવું પસંદ કરો?’’

અલબત્ત, તેમના ગયા પછી અશોક ચવ્હાણના ઘરમાં રાંધ્યાં ધાન રઝળી પડયાં. તે ઓબામાને પુછાયેલું કે તેઓ કોની સાથે જમવાનું પસંદ કરે? ઓબામાએ કહ્યું કે ‘‘મને ગાંધીજી સાથે ડિનર લેવું પસંદ પડે!’’

મેં સિંદબાદને પૂછયું, ‘‘તને કોની સાથે ડિનર લેવું પસંદ પડે?’’

‘‘એટલે?’’

‘‘એટલે... એમ કે તને મારી સાથે ડિનર લેવું પસંદ પડે?’’

‘‘હા, જો બિલ તમે ચૂકવવાના હો તો મને જરૂર પસંદ પડે.’’

સિંદબાદની કોની સાથે ડિનર લેવાની પસંદગી બિલ કોણ ચૂકવશે, તેની ઉપર નિર્ભર હતી પણ મોહનદાસ ગાંધી સાથે તો ડિનર શક્ય ન હતું એટલે એમણે મનમોહનદાસ સાથે ડિનર લીધું! મનમોહનના નામ પાછળ દાસ લખાયું છે તેનો ભળતો અર્થ ન કાઢવા વિનંતી. ઓબામા ગાંધીજી સાથે ડિનર લઈ ન શક્યા. છગન કહે છે કે આ ડુપ્લિકેટનો જમાનો છે. ટીમ ઇન્ડિયાના ડ્રેસમાં એક તેંડુલકરનો ડુપ્લિકેટ જોવા મળે છે. અમદાવાદમાં એક ગાંધીજીનો ડુપ્લિકેટ ફરે છે, તે બાપુના ડ્રેસમાં ફરે છે. મનમોહનજીનો એક ડુપ્લિકેટ પણ કોંગ્રેસનો નેતા છે. ક્યાંક બીક લાગે કે કોઈ ત્રાસવાદી ભૂલ ન કરી દે. અમદાવાદના એ ડુપ્લિકેટ ગાંધી (મિત્રો, ડુપ્લિકેટ ગાંધી શબ્દમાં કટાક્ષ ન જોવા વિનંતી) અથવા બેન-કિંગ્સલેને ઓબામા સાથે ડિનર ટેબલ ઉપર ગોઠવી દેવાયા હોત તો? તો ઓબામાને ગાંધીજી સાથે ડિનર લેવાનો આનંદ મળી શક્યો હોત. જાણવા પ્રમાણે ગાંધીજીના લેબાશમાં કિંગ્સલે ફરતા હતા ત્યારે તેઓ શુદ્ધ શાકાહારી થઈ ગયા હતા. કાગબાપુએ લખ્યું છે ને કે રાવણે સીતાને છેતરવા રામનું રૂપ ધારણ કરેલું ત્યારે તેમને પવિત્ર વિચારો આવવા માંડયા હતા. ગાંધી સાથેના ડિનરની ઓબામાની ઇચ્છા પાર આ રીતે પાડવા જેવી હતી.

અમેરિકન પ્રમુખના સ્વાગતમાં મનમોહનસિંહે કહ્યું, ‘‘ઓબામા મારા અંગત મિત્ર છે.” જોકે ચાણક્યે કહ્યું છે રાજા (શાસક) કોઈનો મિત્ર હોતો નથી, જો ઓબામા મનમોહસિંહના અંગત મિત્ર હોય તો આપણી પ્રણાલિકા પ્રમાણે સિંહે ‘ફર્સ્ટ લેડી’ને ‘ભાભી મિશેલજી’ એમ કહ્યું હોત!

ઓબામાને ગાંધી ગમે છે. ગાંધીજી એમની સાથે બકરી રાખતા. ઓબામા એમની સાથે બકરી નથી રાખતા પણ આગળ-પાછળ ડિટેક્ટિવ કૂતરા રાખે છે. જો ઓબામાને ગાંધી સાથે ડિનર લેવાનું હોત તો એના શિકારી કૂતરા આખો આશ્રમ ફેંદી નાખત.

ગાંધીજી ઓબામાને જમવામાં શું ઓફર કરત? બકરીનું દૂધ. અને ગાંધી સાથે જમવામાં માથાકૂટ કેટલી? છાશવારે બાપુ ઉપવાસ ઉપર બેઠા હોય. ઓબામાને જમવા આવવું હોય તો મહાદેવભાઈએ ડાયરી કાઢી જોવું પડે કે બાપુ ક્યારે ઉપવાસ નથી કરવાના!

ઓબામા સાથે આવેલા કૂતરા બાપુની બકરી અને ચરખો બધાને સૂંઘે. ઓબામા વિચારે કે આ બકરીનું દૂધ શું છે? અને તુરંત જ કોલ્ડ્રિંક્સની કંપનીઓ બકરીના દૂધનું આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ શરૂ કરી દે. પેલો કૂતરો ભારત આવ્યો તો તેનું નામ ‘ખાન’ હતું. પાસપોર્ટ અને વિસા માટે નામ તો જોઈએ ને! કૂતરાના પાસપોર્ટમાં એનું નામ ખાન હતું. શાહરૂખ ખાને ‘માય નેઈમ ઇઝ ખાન’ ફિલ્મ બનાવી તેનો આ અમેરિકન જવાબ હોઈ શકે.

હા. આમિર ખાને કહ્યું હતું શાહરૂખ તો કૂતરો છે અને હું બિસ્કિટ ખવડાવું છું ત્યારે પૂંછડી પટપટાવે છે.

પછી સ્પષ્ટ થયું આમિરના કૂતરાનું નામ શાહરૂખ છે. આ કિસ્સામાં અમેરિકન મિલિટરી ડોગનું નામ ખાન છે.

શું અમેરિકામાં બિનસાંપ્રદાયિક લોકો નથી?

વાઈડ બોલ

પાકિસ્તાની ક્રિકેટર રશીદે સંન્યાસ લીધો.

- ન્યૂઝ ચેનલનું ટાઈટલ.

મુસ્લિમ શા માટે સંન્યાસી થાય? તે તો ફકીર થાય!!

Friday, November 19, 2010

ગત વર્ષના વાઈડ બોલ

વર્ષોથી નૂતન વર્ષમાં મીઠાઈ ને મઠિયાં પીરસવામાં આવે છે. આ કોલમમાં પણ વીતેલા વર્ષના કેટલાંક વાઈડ બોલ પીરસવામાં આવે છે. એ છે વાંચકો માટે મીઠાઈ અને મઠિયાં. તમામને નૂતન વર્ષાભિનંદન.

ત્રિશંકુ

અહીંયાં બધાને બધું જ નથી મળતું એ કહેવા માટે શાયરે કહ્યું, ‘યહાં કીસી કો મુક્કમલ જહાં નહીં મીલતા. કીસી કો આંસમા નહીં મિલતા, કીસી કો જમીં નહીં મીલતી.’ (કોઈને આકાશ નથી મળતું, કોઈને જમીન નથી મળતી)

શાયર સા’બ, પણ ઘણાં એવા ત્રિશંકુઓ છે જેમને આકાશ પણ નથી મળતું, જમીન પણ નથી મળતી.

અંદાજ

લક્ષ્મણની જગ્યાએ ચેતેશ્વર પૂજારા ટીમમાં આવ્યા, તેથી ઓસ્ટ્રેલિયન ખુશ હતા પણ પછી ખબર પડી કે લક્ષ્મણની જગ્યાએ તો દશરથ આવ્યા છે.

એટલે?

એટલે લક્ષ્મણના પણ ‘બાપ’

ઘરડાની પ્રગતિ

મુશ્કેલ કામ ઘરડા લોકો ઉકેલી શકે એટલે કહેવાનું ‘ઘરડા ગાડાં વાળે’.

પણ હવે ઘરડા લોકો લગ્ન કરવા તરફ વળ્યા છે. એટલે કહેવત સુધારી શકાય. ‘ઘરડા ઘોડે ચઢે’

રહસ્ય

મશહૂર ટેનિસ સ્ટાર ફેડરરે કહ્યું: ‘તમારી સો ભવ્ય સફળતા પાછળ હજાર નિષ્ફળતાઓમાંથી મળેલું શિક્ષણ કારણભૂત હોય છે.’

આગાહી

ગોલ્ફના એક સમાચારમાં કહેવાયું કે, ‘આગામી ટાઈગર વૂડ ગુજરાતમાંથી મળશે.’

છગને સવાલ કર્યો, ‘એવો ખેલાડી કે એવો લફરાંબાજ?’

કોણ મોટું?

IPL માં રમતા ક્રિકેટરોને કરોડો રૂપિયા મળ્યા.

નક્સલીઓ સામે લડતા શહીદ થયેલા જવાનોના કુટુંબને લાખ રૂપિયા મળ્યા. મેરા ભારત મહાન.

ખાસ સ્કીમ

જોડિયાં બાળક - ટ્વિન્સ. એ ભગવાનની એક સાથે એક ફ્રીની સ્કીમનો ભાગ છે.

આકર્ષણ

આજકાલ ઈરેઝર (રબ્બર) એટલાં આકર્ષક આવે છે કે વિદ્યાર્થીઓને તે જોઈને વારંવાર ભૂલ કરવાનું મન થાય છે.

ગાંધીજીની દશા

ગાંધીજીની પ્રતિમા. દ. આફ્રિકામાં ધૂળ ખાય છે. - સમાચાર.

‘કઈ મોટી વાત છે? ટ્રેનના ડબ્બામાંથી ફેંકાઈ ગયા ત્યારે ખુદ ગાંધીજીએ ત્યાં ધૂળ ખાધેલી જ ને!’

ખરું નામ

નવેમ્બરની ઠંડીમાં લંકાનો ક્રિકેટર સમર વીરા જે રીતે આપણા બોલરોને ફટકારતો હતો તે જોઈ છગને કહ્યું આને સમર વીરા નહીં પણ વિન્ટર વીરા કહેવાય.

અવહેલના

ભારતને મેડલ અપાવનાર શૂટિંગ ચેમ્પિયન લજ્જા ગોસ્વામી પાસે પોતાની ગન પણ નથી. - સમાચાર.

આ ખરેખર ‘લજ્જાસ્પદ’ બાબત છે.

સામ્ય

પ્રેમ અને વરસાદ બંને સરખા છે. વરસાદમાં તમારું શરીર પલળે છે. પ્રેમમાં આંખો. (SMS)

કદાચ સુધરે

ક્રિકેટમાં ગેરશિસ્ત માટે ખેલાડીની મેચની ફી કાપી લેવાય છે.

તે પ્રમાણે સંસદમાં ગેરવર્તણૂક કરનાર સાંસદનું ભથ્થુ કપાય તો કદાચ સુધારો દેખાય.

સચ્ચાઈ

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિપત્ર છે.

રુદનમાં વાસ્તવિક્તા અને હસવામાં અભિનય છે. - શૂન્ય પાલનપૂરી.

એક જૂનો વાઈડબોલ

ગુજરાતમાં શરાબની બોટલ સંતાડવી પડે.

કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ સંતાડવો પડે.

વાઈડ બોલ

પછાત જાતિઓનો ઇતિહાસમાં દ્રવિડ તરીકે ઉલ્લેખ હોય છે. હમણાં હમણાં રાહુલ ગાંધી યુપીમાં દલિતોની વસ્તી વચ્ચે ફરે છે. સિંદબાદ કહે છે જે હવે એ રાહુલ દ્રવિડ તરીકે ઓળખાશે.

આદર્શ વિદાય...

અશોક ચવ્હાણને આખરે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી. હાઈ કમાન્ડે એમને રૂખસદ આપી દીધી. જાણકારો બોલ્યા કે યે તો હોના હી થા.

ઓબામા પરત જાય તેની જ રાહ જોવાતી હતી. ઓબામા ગયા અને ‘અશોક ચવ્હાણ’ના હાથમાંથી ગીત શરૂ થયું ‘જાને સે ઉનસે જાતી બહાર...’ ઓબામા ગયા અને અશોકજીના જીવનની બહાર લેતા ગયા. અશોક અત્યારે શોકગ્રસ્ત છે. આમ તો રિવાજ પ્રમાણે જ થયું છે. આપણામાં રિવાજ છે કે મહેમાનોની હાજરીમાં બાળકોને વઢવામાં નથી આવતું. મહેમાન જાય પછી મારઝૂડ પણ થાય. અશોક ચવ્હાણ એ પ્રથાના કારણે ઓબામા હતા ત્યાં સુધી ટકી રહ્યા. હજી તો ઓબામાનું પ્લેન ટેક-ઓફ કર્યું કે સોનિયાજીએ શાર્પ-શૂટરની અદાથી અશોક ચવ્હાણને વીંધી નાખ્યા.

કોઈ રસીકડાઓ શોક પણ નથી કરવાના. બધા નવા મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની ભક્તિમાં લાગી જશે. ઐતિહાસિક પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાને પામ્યા હતા. આ પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્ત સરકારને પામશે.

આ બનાવની થોડીક છાનબીન કરીએ. અશોક ચવ્હાણનો ગુન્હો શું હતો? ભાઈશ્રી અશોકે તેમની સાસુ, સાળીને બધાને ફ્લેટ ફાળવી દીધા હતા. જરા વિચારો શું આ ખોટી બાબત છે? આપણે સૌ આપણી સાસુમા કે સાળી માટે અછો વાના કરીએ છીએ. સાસુ કે સાળીને સિનેમાની ટિકિટ લાવી આપનાર ઘણા હોય છે. જ્યારે મુખ્યમંત્રીને તેમના હોદ્દાને અનુરૂપ, વધુ ગૌરવપૂર્ણ વ્યવહાર કર્યો એમાં ખોટું શું કર્યું? એવા માણસો પણ આ પૃથ્વી ઉપર છે કે જેઓ સાસુ પાસેથી કંઈક ને કંઈક પડાવવાની વાત કરતા હોય છે. છગન તેની સાસુ પાસેથી ફ્રીઝ, કાર, ઘરઘંટી એવી પરચૂરણ વસ્તુઓ લેવા માટે પેતરાં કરતો હોય છે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જુઓ. કેટલા મહાન? એમણે સાસુ પાસેથી કાર, બંગલો, કશું માગ્યું નહીં. બલ્કે ‘અવળી ગંગા’ કરી બતાવી સામેથી આપવાની વાત કરી. મારી પત્ની પૂછે છે કે મુખ્યમંત્રીની સાસુએ આવો જમાઈ મેળવવા કયું વ્રત રાખ્યું હશે?

મને એમ હતું કે સાસુ-સાળીઓ પ્રત્યે ઉદાર રહેનાર મુખ્યમંત્રી માટે કવિઓ બિરદાવલિ રચશે. મહિલા સંસ્થાઓ સ્ત્રીસન્માનની ભાવના ઉત્કટ રીતે પ્રગટ કરવા માટે અશોક ચવ્હાણનો સત્કાર સમારંભ ગોઠવશે. ઉપરથી તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. આ સરાસર નાઈન્સાફી છે. તેમાં પણ સોનિયાજી જેવા મહિલા સર્વોચ્ચ નેતા હોય અને ત્યારે આવું બને એ ઘણું ખરાબ થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું શરૂઆતથી જ અપમાન થયું હતું. યાદ છે? અમેરિકન અધિકારીઓએ અશોક ચવ્હાણ પાસે તેમના ઓળખપત્ર માગ્યાં હતાં. મુખ્યમંત્રી સમસમી ગયા હતા.

પછી અમેરિકન અધિકારીઓને ખબર પડી કે ‘યે ક્યા કર બેઠે બાપલા?’ થાનેદારના સાળા નહીં પણ ખુદ થાનેદાર હતા. માફામાફી થઈ પતી ગયું. સિંદબાદ સવાલ કરે છે. કોઈના ઓળખપત્રથી કોઈની ઓળખાણ મળે ખરી? બહુ બહુ તો એનું નામ, સરનામું મળે, બસ એટલે. ઓળખાણથી ઓળખાણ ન મળે એ માટે વ્યક્તિની કુંડળી જોવી પડે જે સોનિયાજીએ અશોક ચવ્હાણની કુંડળી જોઈ ફળાદેશ કરી દીધું...

ગૂગલી

કોઈએ તમારું કરેલું નાનું કામ ભૂલો નહીં,

અને તેની નાની ભૂલોને યાદ ન કરો.

Wednesday, November 3, 2010

સાધુની ઉંમર કેટલી?

બાજી ફીટાઉંસ - નિરંજન ત્રિવેદી

હમણાં કેટલીક ચેનલવાળાએ સવાલ રમતો મૂક્યો છે. સાધુની ઉંમર કેટલી?

ઉક્તિ છે કે સાધુનું કુળ ન પુછાય. પણ આ તો ઉંમર પૂછવાની વાત છે. કેટલાક સાધુ મહારાજોની ઉંમર પાંચસો સાતસો છે તેવો દાવો તેમના ભક્તજનો કરતાં હોય છે. પણ એ સાધુ મહારાજની વાત છે જ્યારે આ વાત સાધુ- યાદવની. મશહૂર લાલુપ્રસાદ યાદવના તેઓ સાળા છે. તેઓ મહારાજ નથી. સાધુ નામ છે. કેવળ નામના સાધુ છે. તેઓ ફક્ત સાધુ નથી પણ તકસાધુ છે. ક્યારેક તેઓ લાલુની સાથે હોય છે. ક્યારેક લાલુની સામે. આ સાધુની ઉંમર વિષે ચેનલવાળાઓએ સવાલ ઊભા કર્યા છે. ચેનલવાળા કહે છે. સાધુ યાદવે ગણિતના નિયમો કોરાણે મૂકી દીધા છે. એ લોકો કહે છે. બે હજાર ચાર (૨૦૦૪)માં સાધુએ તેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ બતાવી હતી. હવે અત્યારે બે હજાર દસ (૨૦૧૦) ચૂંટણી વખતે તેમની ઉંમર સુડતાલીસ (૪૭) બતાવી છે. બીજા ધોરણમાં ભણતું બાળક કહી શકે ૨૦૦૪માં ચુમ્માલીસ વર્ષના માણસ ૨૦૧૦માં પચ્ચાસ વર્ષનો હોય. પણ ના સાધુ કહે છે. ૪૭ વર્ષ જ છે. સત્યનારાયણની કથામાં આવતો સાધુ પણ સાચું બોલવા ટેવાયેલો નથી. જ્યારે આ તો રાજકારણનો સાધુ છે. કહેવાય છે આ લોકો ઘોડિયામાં પણ સાચું રડયા નથી હોતા એ લોકો ઉંમર સાચી કઈ રીતે કહી શકે? ચુમ્માલીસ વત્તા છ તો સાચો જવાબ તેમણે જણાવ્યો નથી. કારણ નેતાઓને પોતાનું ગણિત હોય છે. આપણા એક મોટા ગજાના નેતાએ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમની પાસે કાર નથી. કોઈએ તેમને રિક્ષાનું મીટર ઝીરો કરાવી રિક્ષામાં બેસતા જોયા નથી.

સાધુની ઉંમરનું રહસ્ય હજી જાણવા મળ્યું નથી. કહે છે કે સાધુ તો ચલતા ભલા. પણ આ સાધુ તો ચલતી ગાડી રોકી દે તેવા. લાલુપ્રસાદ રેલવે મંત્રી હતા તેના જોર ઉપર રાજધાની એક્સપ્રેસ તેમણે રોકી દીધી હતી. આવી કોઈ શક્તિથી તેમણે તેમની ઉંમર રોકી રાખી હોય. ત્રણ વર્ષથી એમણે ઉંમર રોકી રાખી છે. અથવા તો શાસનથી દૂર રહેવું પડયું હોય તે વરસો એમણે ઉંમરમાંથી બાદ કર્યા હોય. મહિલાઓ ઉંમરની બાબતમાં સાધુ જેવું વલણ દેખાડે છે. એક ભાઈ કહેતા હતા મારી પત્ની છેલ્લાં ત્રણ વર્ષથી પચ્ચીસ વર્ષની જ છે.

એક ન્યાયાધીશે સાક્ષી મહિલાને કહ્યું, “બહેન, પાંચ વરસ પહેલાં તમે કોર્ટમાં આવ્યાં ત્યારે તમે પચ્ચીસ વરસનાં છો તેમ કહ્યું હતું. આજે પણ તમે પચ્ચીસ વરસનાં છો તેમ કહો છો!”

“સાહેબ, તમારે મારી પ્રશંસા કરવી જોઈએ કે હું મારા એક વાર આપેલા બયાનમાંથી ફરી જતી નથી.”

સાધુનું આવું જ કંઈક હોઈ શકે?

ગૂગલી

પૈસા માટે પરસેવો પાડનાર ઘણાં હોય છે. પણ પર-સેવા માટે પરસેવો પાડનાર તો કોઈક જ. (SMS Sent by Mahendra Joshi)