Wednesday, May 19, 2010
બહુ ગરમી પડે છે નઈ!
બહાર જતા બોલને અડપલું કરવા જતા બેટ્સમેન વિકેટકીપરના હાથમાં ઝીલાઈ જાય છે. મેદાનમાં શોરબકોર થઈ જાય છે. જેથી કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા એક્ષપર્ટ કોમેન્ટેટર જાગી જાય છે.
કોમેન્ટેટર ફરજના ભાગરૃપે એક્ષપર્ટને તેનો અભિપ્રાય પૂછે છે. ‘સાહેબ આ આઉટ થયો તે અંગે શું કહેવું છે?’ કોમેન્ટેટર તો તંદ્રામાં હતો. પેલો કઈ રીતે આઉટ થયો તે વિશે બેખબર છે. છતા ‘એક્ષપર્ટ ઓપિનિયન’ આપવો એટલો જ જરૃરી છે, જેટલું બાવા માટે હિન્દીમાં બોલવું જરૃરી છે. એટલે એક્ષપર્ટશ્રી તુરંત કહેશે, ‘હી શુડ નોટ હેવ પ્લેઈડ ઈટ બોલ’ (એણે તે બોલને રમવાની જરૃર ન હતી). આ ચીલાચાલુ કોમેડી કોઈ પણ કરી શકે.
રાજકારણ અને ક્રિકેટમાં આ એક સામ્ય ગણી શકાય.
નિવૃત્ત રાજકારણીને ઠેકાણે પાડવા રાજભવન હોય છે તેમ ક્રિકેટ જેમણે છોડી દીધું છે કે ક્રિકેટે જેમને છોડી દીધા છે તેવા ક્રિકેટરનું આશ્રયસ્થાન કોમેન્ટ્રી બોક્સ છે. તે તેમનું ‘રાજભવન’ છે.
રાજભવનમાં કોઈ ખાસ કામ નથી હોતું તેમ આ એક્ષપર્ટ કોમેન્ટેટરોને ખાસ કામ નથી હોતું. પણ ઝોકું ખાતા ખાતા એક્ષપર્ટ ઓપિનિયન જાહેર કરી દેવાનો હોય છે.
ઝબકીને જાગી ગયા પછી એક્ષપર્ટ ઓપિનિયન કઈ રીતે અપાય? પણ એ નિષ્ણાતો છે, આવા પ્રસંગે અભિપ્રાય આપવામાં પણ નિષ્ણાત હોય છે. એટલે એવા સમયે મલકાટથી કહે ‘હી શૂડ નોટ હેવ પ્લેઈડ ધેટ બોલ’ એણે બોલને રમવો જોઈતો ન હતો, અને મંતવ્ય પૂરું. આપણા બધામાં આવો નિષ્ણાત પડેલો છે. મેં છેલ્લા દસ દિવસમાં નિરીક્ષણ કર્યું છે. જે કોઈ મળ્યા છે, તેમણે જાહેર કર્યું છે, ‘આ વખતે ગરમી બહુ છે.’ ભોગીલાલને સિંદબાદ જ્યારે પણ મળે ત્યારે ‘આ ઉનાળામાં બહુ ગરમી છે’ એવું એ લગભગ દરેક ઉનાળામાં કહે છે અને આવતા દરેક ઉનાળામાં કહેશે.
છગન બૂમ પાડે છે, ‘બોસ બહુ ગરમી છે આ વખતે.’ અરે ભાઈ ઉનાળો છે, ગરમી નહીં પડે તો શું બરફના ચોસલા પડશે?
‘તમારા અમદાવાદમાં ગરમી બહુ લાગે...’ ભાવનગરથી આવેલા તમને કહેશે. હકીકતમાં એ દિવસે ભાવનગરમાં અમદાવાદ કરતાં વધુ ગરમી નોંધાઈ હોય! ધ્રાંગધ્રામાં જે દિવસે ૪૭ ડીગ્રી ગરમી પડી હતી એ દિવસે પણ ધ્રાંગધ્રાથી અમદાવાદ આવેલા, અમદાવાદની ગરમી વિશે એક્ષપર્ટ અભિપ્રાય જાહેર કરતા હતા. મળીએ ત્યારે ગરમી વિશે વાત કરવી એ ‘ઉનાળુ ફેશન’ છે. બહારગામથી આવેલા ‘તમારા અમદાવાદમાં ગરમી સહન ન થાય હોં...!’ એ જાણે અલાસ્કાથી આવ્યા હોય તેવી વાત કરે.
‘ટૂ બ્રેક ધ ચાઈસ...’ એવો એક રૃઢિપ્રયોગ છે. એટલે કે વાતની માંડણી કરવી. આ માંડણી કરવા માટે ઉનાળો હાથવગો છે. એટલે શરૃઆત થશે, આ વખતે તો ગરમીએ હદ કરી છે. અને એક્ષપર્ટ કોમેન્ટેટરની જેમ પછી ફેંકવાનું જ હોય છે... ‘હા.. સા... બહુ ગરમી છે, આ સાલ...’ દર સાલ આવું બને છે અને દર સાલ આવું બનશે એવી મારી એક્ષપર્ટ તરીકે તે આગાહી છે.
ગૂગલી
છગનને ક્રિકેટનો જબ્બર શોખ, પણ મેચ વખતે ટીવી બંધ હતું. એણે કહ્યું,
‘દેખ સકતા હૂં મૈં કુછ ભી હોતે હુએ નહીં મેં નહીં દેખ સકતા, ભારત કો હારતે હુએ.’
Monday, May 17, 2010
દહીંનો ઘોડો છૂટમૂટ
એક સ્ત્રીને તેના પતિએ કહ્યું, ‘‘હું તારા ગળા માટે સુંદર નેકલેસ લેવાનો છું.’’
સ્ત્રીના ચહેરા ઉપર સ્મિત પણ નહીં, ખુશી પણ નહીં. એના મુખભાવ ઉપર કોઈ પરિવર્તન નહીં.
એ સ્ત્રીની નણંદે આ જોયું અને બોલી, ‘‘ભાભી, મારો ભાઈ, તમારા ગળા માટે મજાનો નેકલેસ લેવાની વાત કરે છે અને તમે કશો જ પ્રતિભાવ બતાવતા નથી! તમે રાજી નથી?’’ ત્યારે તે મહિલા બોલી, ‘‘નણંદબા, અફઝલ ગુરુના ગળામાં ફાંસીનું દોરડું આવશે તેવું વર્ષો પહેલાં કહેવાયું હતું કે નહીં?’’
‘‘હા’’
‘‘કસાબના ગળામાં ફાંસીનું દોરડું પડશે તેવી જાહેરાત થઈ, પણ તેનો અમલ ક્યારે થશે તે કહો.’’
‘‘એ તો ખબર નથી.’’
‘‘બસ એવું જ છે. તમારા ભાઈની જાહેરાત છે અમલની ખાતરી નથી. હું શું કામ રાજી થાઉં? કસાબના ગળામાં ફાંસીનું દોરડું અને મારા ગળામાં નેકલેસ જ્યારે પડે ત્યારે જ સાચું મનાય. બાકી જાહેરાતે હરખપદુડા થઈ ફટાકડા ફોડવાવાળી હું નથી!’’
+++++++
તારીખ છઠ્ઠી મે, ૨૦૧૦ના દિવસે કસાબને ફાંસીની સજાની જાહેરાત થઈ. એ જ દિવસે છગનના પુત્રની શાળાની પરીક્ષાનું પરિણામ હતું. છગનનો પુત્ર છઠ્ઠા ધોરણમાં પાસ થયો છે. હવે તે સાતમા ધોરણમાં આવશે તેમ શાળાના આચાર્યે કહ્યું. હવે જૂન માસના બીજા સપ્તાહમાં તે સાતમા ધોરણમાં જરૃર આવશે, તેના પરિણામનો અમલ થઈ ગયો હશે, તે સાતમા ધોરણમાં હશે. પણ કસાબના પરિણામનો અમલ?
અલ્લાહ જાને ક્યા હોગા આગે? મૌલા જાને ક્યા હોગા આગે? કદાચ આ ગીત એના માટે જ લખાયું હશે.
+++++++
નર્મદાના બંધ ઉપરથી ઘણા પાણી વહી ગયાં છે. સાબરમતી રિવરફ્રન્ટમાં પણ ઘણા પાણી વહી ગયાં છે.
સરકારી તિજોરીમાંથી ઘણાં નાણાં કસાબને રાખવા માટે, સાથે તાજો રાખવા માટે ખરચાઈ ચૂક્યાં છે.
સેંકડો માણસને મારનાર માટે, લાખ્ખો કરદાતા પૈસા ચૂકવી રહ્યા છે.
કસાબને ક્યારે ફાંસી થશે? એવું પુછાયું ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝના શબ્દો અભ્યાસી અનિકેતે કહ્યા, ‘‘બ્રિટિશ સરકાર પાસે મને મારી શકે તેવી બુલેટ હજી આવી નથી.’’
આતંકવાદીઓના દરિયાપાર બેઠેલા આકા હૂકો પીતાં પીતાં કહેતા હતા, ‘‘કસાબને લટકાવી શકે તેવું દોરડું હજી ભારતમાં બન્યું નથી.’’
+++++++
સિંદબાદ કહેતો હતો રાષ્ટ્રની સંસદ ઉપર હિચકારો હુમલો કરનાર અફઝલને ફાંસી હવામાં ઝૂલે છે. અફઝલ હવામાં ઝૂલવો જોઈએ એના બદલે તેની સજા હવામાં ઝૂલે છે.
સિંદબાદ એક ભાવિ દૃશ્યની કલ્પના કરે છે. અનેક કેલેન્ડર્સ દીવાલ ઉપરથી અદૃશ્ય થઈ ગયાં છે. કસાબને ફાંસી અપાઈ નથી... એવામાં એક ખરાબ સવારે સમાચાર આવ્યા. ખૂબ જ મોટા ગજાના, ખૂબ ખૂબ મોટા નેતાના પુત્રનું આતંકવાદીઓએ અપહરણ કર્યું છે. સિંદબાદ કહે છે તેમ કોઈ પણ નેતાના પુત્રનું નામ તમારી કલ્પના મુજબ લઈ શકો છો.
દેશમાં હાહાકાર થઈ ગયો. ફિલ્મી વિલનની શૈલીમાં અપહરણકારે કહ્યું, ‘‘તુમ્હારા બેટા હમારે કબજે મેં હૈ, ઉસકો છુડાને કી શર્ત હૈ.’’
‘‘કવિએ ભલે કહ્યું હોય કે પ્યારમાં શર્ત ન હોય પણ ‘ક્રાઈમ’માં શર્ત હોય છે.’’ ભારે બહસ ચાલે છે. કસાબ કરતાં એ નેતાપુત્ર કીમતી નથી? સટોડિયા પણ નેતાનો પુત્ર છૂટશે કે નહીં તેની ઉપર સટ્ટો ખેલવા માંડયા હતા. આખા દેશમાં ગરમી આવી ગઈ હતી. મીડિયાવાળા આપણા ગુપ્તચર તંત્ર ઉપર માછલાં ધોઈ રહ્યું હતું. મોટા નેતાઓએ ભૂતકાળના દાખલા આપ્યા. એક વાર ગૃહપ્રધાનની પુત્રીને બચાવવા સરકારે કેટલાક આતંકવાદીઓને છોડયા હતા. (સરકારે ચૂકવેલું દહેજ ગણાય તેવું સિંદબાદ ઉમેરે છે).
તો આંખે પાટા બાંધેલી ગાંધારીના મુલ્કમાંથી બાનને છોડવવા ખૂંખાર ત્રાસવાદીઓને છોડેલા જ છે. છેવટે નેતાપુત્રની મુક્તિની શરત પ્રમાણે અમુક કરોડ રૃપિયા સાથે કસાબને સરહદ સુધી સલામત મૂકી દેવામાં આવ્યો. નેતાપુત્ર પરત આવ્યા. દહીંનો ઘોડો છૂટમૂટ...
Tuesday, May 11, 2010
કડકા પોલિશ... કરે બૂટ પોલિશ...
મેરા ભાઈ મહાન... આવી લાગણી કેટલાક નાના ભાઈઓને થતી હતી અને તેની ચર્ચા ચાલતી હતી.
‘મારો ભાઈ તો વિદ્યાસહાયક છે તેને હવે પાંત્રીસસો રૂપિયા મહિને મળશે’.
‘અરે, મારો ભાઈ તો એક કંપનીમાં ક્લાર્ક છે. દર મહિને તે ત્રણ હજાર રૂપિયા મેળવે છે’.
ત્રીજાએ પણ સૂર પૂરાવતાં કહ્યું ‘મારો ભાઈ તો છકડો ચલાવે છે. ભાડાની રીક્ષા છે, છતાં મહિને પાંચ-છ હજાર રૂપિયા રળી લે છે’.
બધા નાના ભાઈઓ તેમના મોટાભાઈ રામ કેવા બાણાવળી છે તેની વાતો કરતા હતા.
દરેકના મોટાભાઈ કંઈક ને કંઈક કામ કરી રહ્યા હતા અને મોંઘવારી સામે લડી રહ્યા હતા.
એક રમૂજ યાદ આવે છે. એક ગૃહસ્થને ચાર દીકરા હતા. ચારે જણ કામ ધંધે લાગી ગયા હતા. કોઈકે પૂછયું તમારા દીકરાઓ શું કરે છે? ઉક્તિ છે ને ‘દી-વાળે ઈ દીકરા’ એ ભાઈએ પણ થોડા ગૌરવથી કહ્યું, મારો મોટો દીકરો હમણાં જ ડોક્ટર થયો છે, દવાખાનું ખોલ્યું છે.’
‘વાહ-વાહ. બીજો શું કરે છે?’
‘બીજો વકીલ બન્યો છે. રોજ સવારે કોર્ટમાં જાય’.
‘ઘણું સરસ...’
‘ત્રીજો ગ્રેજ્યુએટ થઈ ગયો પછી એક ઓફિસમાં ક્લાર્ક તરીકે છે.’
‘એ પણ સારું કહેવાય, ધીરે ધીરે આગળ આવશે, ચોથો દીકરો શું કરે છે?’
‘એ ભણ્યો નહીં, એણે હેરકટિંગ સલૂન કર્યું છે.’
‘એને શું કામ ભેગો રાખો છો? એને અલગ કરી દો.’
‘નથી થાય તેમ.’
‘કેમ કેમ?’
‘બધાનું પૂરું એ જ કરે છે. એટલું કમાય છે..’
એટલે કે કમાવું તે કસબની વાત ગણાય...
આગળ આપણે નાના ભાઈઓની ચર્ચા કરતા હતા, તેઓના મોટાભાઈઓની કમાણીમાં પણ એવું જ થયું. છેલ્લે એક ગાંધીનગરના છોકરાએ કહ્યું ‘મારો મોટોભાઈ પણ કામ કરે છે, કમાય છે અને મને ભણાવે છે’.
‘એમ! એ શું કરે છે?’
‘એ ગાંધીનગરમાં બૂટ-પોલિશ કરે છે.’
‘બસ! મહિને પાંચસો-સાતસો માંડ કમાતો હશે તારો ભાઈ.’
‘ના, બૂટપોલિશમાં તે મહિને પંદર હજાર રૂપિયા કમાઈ લે છે.’
વાત ખરી ગાંધીનગર પોલિશનું નગર છે. સિંદબાદના કહેવા પ્રમાણે ગાંધીનગર મસ્કા પોલિશનું નગર છે. રોજનું ટનબંધ મસ્કા પોલિશ ત્યાં થાય છે.
ત્યાં આ યુવક સવારથી સાંજ બૂટ પોલિશનું કામ કરે છે. મહિને સહેજે પંદર હજાર કમાઈ લે છે. વધુ કામ થઈ શકે એ માટે તે કાઇનેટિક હોન્ડા ઉપર ફરે છે તેનાં સાધનો તે કાઇનેટિક ઉપર રાખે છે. સવારે તે ગાંધીનગર એસટી ઉપર હોય પછી પથિકાશ્રમ ઉપર હોય. નગરના જુદા જુદા વિસ્તારમાં તે સ્કૂટર ઉપર ફરે અને જૂતાં પોલિશ કરે છે. આ લખતાં લખતાં કિશોરનું ગીત યાદ આવી જાય છે. ‘જૂતા પોલિશ કરેંગા ફીર ભી તૂમ પર મરેંગા.’ આ યુવક મરવા માટે નહીં પણ જીવવા માટે અને કુટુંબીને જિવાડવા માટે જૂતાં-પોલિશ કરે છે. બૂટ-પોલિશમાં તે ઓફિસરનો પગાર પાડે છે. લોકોના બૂટ ચમકાવે છે અને તેનું ખિસ્સું પણ ચમકે છે.
વર્ષો પહેલાં આવેલી એક ગુજરાતી ફિલ્મમાં નાયક બૂટ-પોલિશ કરતો હોય છે અને ગાતો હોય છે. ‘કડકા પોલિશ... કડકા પોલિશ કરે બૂટ પોલિશ.’
પણ આ યુવક બૂટ-પોલિશ કરે છે, પણ કડકો નથી. રાજકપૂરની ફિલ્મ બૂટ-પોલિશના બાળનાયકોને બૂટ-પોલિશ કરવા છતાં પૈસા નથી મળતા. પણ ગાંધીનગરના વાસ્તવિક જીવનના નાયકે કુનેહ મેળવી છે. સ્કૂટર ઉપર ફરીને બૂટ-પોલિશ કરે છે. પ્રગતિ જોતાં કાલે તે મારુતિ કારમાં ફરીને પણ બૂટ પોલિશ કરશે તેમ લાગે છે. આ ભાઈ તેના નાનાભાઈને ભણાવવા માગે છે. સવાલ એ થાય છે શું ભણી ગણીને તેનો નાનોભાઈ બૂટ-પોલિશ કરતા મોટાભાઈ જેટલું કમાઈ શકશે?
વાઈડ બોલ
પ્રીતમ લખલાણી અમેરિકાસ્થિત કવિ છે. પરિષદના માસિક ‘પરબ’ માટે તેમણે મકરંદ દવે માટે લેખ મોકલેલો. મહિનાઓ સુધી તે લેખ ન છપાયો, જેવું મકરંદભાઈનું અવસાન થયું કે તુરંત એ લેખ છાપી નાંખ્યો.
લખલાણી કહે : મારી પાસે ભોળાભાઈ અને રઘુવીર વિશેના લેખો તૈયાર હતા, પણ આ પદ્ધતિ જોતાં મેં એ લેખો ન મોકલ્યા.
પા-જી-દાદા-ભાઈ...(બાજી ફિટાઉંસ)
એક બંગાળી પત્રકારે નોધ્યું કે પંજાબના પ્રભાવ હેઠળ આપણા ક્રિકેટમાં પા-જી શબ્દ લોકપ્રિય થઈ ગયો છે. ઉત્તરપ્રદેશનો રોહિત શર્મા પણ કહે કે ‘એનો આદર્શ યુવી-પા-જી છે’ (યુવરાજ) શાળામાં હતા ત્યારે ક્લાસ મોનિટર કુમાર હતો. ત્યારે થતું આ ઘરડો થશે ત્યારે પણ કુમાર જ કહેવાશે. યુવરાજનું એવું કહેવાયને!
હરભજન ભજ્જીને પણ જુનિયર પાજી કહે છે. કપિલદેવ કપિલ-પાજી તરીકે જાણીતા હતા. એન્ડ્રયુ સાયમન્ડ અને શ્રીસંતને તો હરભજન ખરેખર ‘પાજી’ લાગતો હશે. એક બંગાળી પત્રકારે લખ્યું છે કે બંગાળમાં તો પાજી બદમાશને કહેવામાં આવે છે. ગુજરાતમાં પણ પાજી બદમાશના અર્થમાં વપરાય છે. ભલે પંજાબમાં પાજી સન્માનસૂચક હોય ગુજરાતમાં નથી. ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર હવે ઉંમરમાં મોટા થઈ ગયા છે. ગમે ત્યારે ફાળકેગ્રસ્ત થઈ જશે. તેને પણ નવા કલાકારો પાજી કહે છે.
પેલા બંગાળી પત્રકારો જે માનતા હોય તે પણ દરેક પ્રદેશ કંઈક ને કંઈક આ રીતે પ્રદાન કરે છે. બંગાળે દાદા શબ્દ આપ્યો. ગાંગુલી દાદા તરીકે વધુ જાણીતા છે. ગુજરાતમાં જેમ પાજીને બદમાશ માનવામાં આવે છે તેમ ગુજરાતમાં કેટલાંક મહાબદમાશો દાદા તરીકે ઓળખાતા હોય છે. ગુજરાતીમાં દાદા બે પ્રકારના હોય છે. એક કુટુંબના દાદા બીજા સમાજના દાદા, કુટુંબના દાદા સમાજના સજ્જન હોય. સમાજના દાદા સામાન્યતઃ અસામાજિક પ્રવૃત્તિવાળા હોય. કુટુંબના દાદાને લોકો પાટે બેસાડે સમાજના ‘દાદા’ લોકોને ખાટે સુવાડે. એક આવા દાદા ગૌરવપૂર્વક કહેતા હતા કે ઓર્થોપેડિક વોર્ડમાં કણસતા લોકો એના હાથનો માર ખાઈને આવેલા લોકોથી ભરેલો છે.
મહારાષ્ટ્રમાં પણ દાદા ગૌરવવંત ગણાય છે. મોટાભાઈ દાદા છે. ગુજરાતમાં ‘ભાઈ’ એ ‘દાદા’ છે.
સૌરાષ્ટ્રનું પણ શબ્દોમાં કે મોભા માટે વપરાતા વિશેષણમાં આગવું પ્રદાન છે તે છે ‘ભાઈ’ સૌરાષ્ટ્રવાળા અટકની પાછળ ભાઈ લગાડી દે છે. તે ક્યારેક અટક નહીં પણ મુખ્ય નામ હોય તેવું લાગે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર છે. કાઠિયાવાડમાં તેઓ ઢેબરભાઈ તરીકે જ ઓળખાયા. તે રાજકોટને બદલે અમદાવાદમાં હોત તો ઉછરંગભાઈ કે ઉછંગભાઈ હોત પણ રાજકોટમાં તે ઢેબરભાઈ થઈ ગયા. એક મુસ્લિમ બેંક ઓફિસરની અટક ભાઈસાહેબ હતી. તેઓ સૌરાષ્ટ્રમાં હોત તો ભાઈસાહેબભાઈ બની ગયા હોત.
યુ.પી.વાળા અટકની પાછળ ‘જી’ લગાડી દે છે. જેને કારણે મોહનલાલ ગાંધી - ગાંધીજી બની ગયા. ગાંધીજી પોરબંદર જ રહ્યા હોત તો તેઓ ગાંધીભાઈ હોત, એમનો સાથીદાર કહેતો હોત ‘ગાંધીભાઈ, હવે એકાદ સત્યાગ્રહ થાવા દો.’ સૌરાષ્ટ્રમાં જો ઓબામા રહેવા આવે તો તે પણ ઓબામાભાઈ થઈ જાય.
અત્યાર સુધી બીજા પ્રદેશો તેમની વાનગીથી જાણીતા થતા. મદ્રાસના ઢોંસા ભારતના દરેક ખૂણે તો ઠીક પણ અમેરિકા-ઈંગ્લેન્ડમાં પણ પહોંચી ગયા છે. પંજાબી શાક પણ વિશ્વવ્યાપી ગણાય. ગુજરાતી ખમણ-ઢોકળાં પણ ફેલાઈ ગયા છે. ત્યારે પંજાબી શબ્દો કે બંગાળી શબ્દો પણ ફેલાય જ ને! બંગાળી લોકોએ રસગુલ્લા-સંદેશ ફેલાવ્યા. સાથો સાથ ‘દાદા’ શબ્દ જાણીતો થયો. પંજાબીઓએ પા-જી શબ્દ જાણીતો કર્યો. ટીવી.ના કારણે તે વધુ જાણીતો થયો છે. શું કહો છો પા-જી? પંજાબી ગુજરાતી બંનેમાં પૂછવું. ન લાગું પડતું હોય તે છેકી નાખવું!
ગૂગલી
હું તમને સફળતા નહીં પણ નિષ્ફળતાનો નૂસખો આપી શકું છું, એ છે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન.
- હર્બટ બયાર્ડ (અમેરિકન પત્રકાર)