Saturday, April 23, 2011

એકે હજારા - અણ્ણા


સ્કૂલ પાસે બે છોકરાંઓ વાત કરતાં હતાં. એક છોકરો બીજાને કહી રહ્યો હતો. “બે, તને ખબર છે એક નવા ગાંધીજી આવ્યા છે, એ ભ્રષ્ટાચાર હટાવવા ઉપવાસ ઉપર છે.”

આંદોલન શરૂ થયું ત્યારે સત્તાવાળાઓને લાગતું હતું કે છોને થોડા દિવસ ભૂખ્યા રહે વાંધો નહીં આવે, પણ વાંધો આવ્યો. બૂંદ બન ગઈ સાગર. સમાજમાંથી જબરજસ્ત પ્રતિભાવ મળ્યો. લોકો ભ્રષ્ટ નેતાઓથી અકળાયેલા છે જ. દરેક વસ્તુના બેસૂમાર ભાવ. જાયેં તો જાયેં કહાં, અણ્ણાએ જવા માટેનું સરનામું બતાવ્યું.

આઝાદી આવી ત્યારે કાળા બજારિયાઓનો કેર હતો. નેહરુએ કહ્યું હતું, કાળાબજારિયાઓને દીવાબત્તી (લેમ્પપોસ્ટ)ના થાંભલે લટકાવી ફાંસી આપવી જોઈએ. નેહરુ સરદાર નહોતા. કોઈ પણ થાંભલે કાળાબજારિયો લટક્યો નહીં. કેટલાક નેતાઓને માર્ગદર્શન મળ્યું. એમણે વિચાર્યું, આ વેપારીઓ લાખ્ખો કમાય છે. આપણે તો કરોડો કે અબજો કમાઈ શકીએ.

આવા માહોલમાં અકળાયેલા લોકો શું કરે? ત્યાં અણ્ણાએ આંદોલન શરૂ કર્યું. પ્રેમાનંદે શૈલીમાં કહેવું હોય તો ‘થયો સમાજમાં હાહાકાર, ઓ હજારે આવીયા રે” અને લોકો અણ્ણા સાથે જોડાવા માંડયા. ગુજરાતીમાં કહેવત છે એકે હજારા, અણ્ણા હજારે એકે હજારા નહીં પણ એકે કરોડા છે. કરોડો જાગ્યા છે. કપિલ સિબ્બલ કે દિગ્વિજયસિંહ જેવા માણસો તેમને પાછા ઉંઘાડી ન દે.

કપિલ સિબ્બલ કપિની જેમ ગુલાંટો મારે છે. ઠેકડા પણ મારે છે. એક વાર તેણે કહ્યું, “ભ્રષ્ટાચાર મીટવાનો જ નથી.” (કેટલો આત્મવિશ્વાસ!) તો શા માટે આવા કાનૂન બનાવવાની પળોજણમાં પડવું લોકપાલની શી જરૂર? સિબ્બલજી વકીલ છે, વકીલને ન શોભે તેવી દલીલ તેમની છે. પિનલ કોડમાં ત્રણસો બે (૩૦૨)ની કલમ છે, જે આધારે ખૂની ઉપર કામ ચલાવાય છે. આ કલમ હોવા છતાં ખૂન થાય જ છે. તો શું ૩૦૨ની કલમ નિરર્થક છે? તેને હટાવી લેવી?

મારા એક પોલીસ ઓફિસર મિત્ર, જેઓ એક સમયે લાંચ રુશવત વિરોધી ખાતામાં હતા તેમણે મને કહેલું કે આ ખાતું લાંચ રુશવતના વિરોધ માટે છે નાબૂદી માટે નહીં. સત્તાવાળાઓને ખબર છે કે નાબૂદી શક્ય નથી. તેમ છતાં તે ખાતું નાબૂદ નથી થયું.

ભ્રષ્ટાચારની આવકને પણ ક્યાંક સન્માનસૂચક ગણાઈ છે. એક ગૃહસ્થના પુત્રને રેલવેમાં નોકરી મળી. લગભગ પચીસ વર્ષ પહેલાંની આ વાત છે એ પુત્ર હવે વિવાહયોગ્ય છે. તેમ જણાવતાં કહેતા “બચૂડાને અઢીસો પગાર છે અને દોઢસો બસ્સો બીજા ખસકાવી લે છે.” (આ ખસકાવી લેવા એટલે પડાવવા)

આ બચૂડાઓ હવે કેબિનેટપ્રધાન સુધી પહોંચી ગયા છે. એ લોકો ખસકાવી લે છે. મીડાં ગણતા તમે થાકી જાવ એટલું અણ્ણાને પણ એ લોકો સામે લડવા ટેકો જોઈશે. મીડાં ગણતા થાકી જવાય એટલા માણસોનો આ કહાની ‘નિર્બલ સે લડાઈ બલવાન કી ની...’ છે.

આઝાદીના ઉષાકાળમાં આપણને કેટલાંક અદ્ભુત નેતા મળેલા. કેટલાક અદ્ભુત ગવર્નર મળેલા. તેમાંના એક ગવર્નર હતા શ્રી પ્રકાશ. એમને જાણ્યા પછી ‘શરાબી’ની શૈલીમાં કહી શકાય “ગવર્નર હો તો શ્રી પ્રકાશ જૈસા હો વરના ન હો”.

એ સમયે સરકારે એક સૂચના જારી કરેલી કે દરેક કર્મચારીએ લખીને આપવાનું કે “હું લાંચ લઈશ નહીં. લાંચ આપીશ નહીં અને લાંચ લેનાર સાથે સંબંધ નહીં રાખું.” શ્રી પ્રકાશે આની ઉપર સહી કરવાની ના પાડી હતી. એમણે કહ્યું, “મારો રસોઈયો પાંચ રૂપિયાની લાંચ આપી કેરોસીન લાવે છે. એની સાથે હું સંબંધ ન રાખું તો હું ભૂખ્યો રહું. રસોઈયા સાથે તો સંબંધ રાખવો પડે ને!”

હું લાંચ લઈશ નહીં એટલું જ આપણા હાથમાં છે, બાકી બીજે તમે લાચાર છો.

યુવાનવર્ગની વાતો થાય છે ત્યારે કોલેજના વાર્ષિક દિન વખતે એક સેક્રેટરી કહેતો હતો “ટેક્ષીનું બિલ મૂકી દઈશું. પચાસનો ફાયદો થશે.” યશવંત શુક્લની કોલેજમાં મનોરંજન મંત્રીએ શણગાર માટે આસોપાલવનું બિલ એંસી રૂપિયા મૂક્યું હતું. જ્યારે ક્લાર્કનો પગાર માસિક સો રૂપિયા હતો. તે સમયે આસોપાલવના એંસી રૂપિયા? યશવંતભાઈએ ત્યારે માર્મિક ટકોર કરેલી. “મારા વિદ્યાર્થી ભોળા છે, તેમને આસોપાલવવાળો છેતરી ગયો.” ટૂંકમાં યુવાન નેતામાં પ્રામાણિકતાની ખાતરી નથી. વૃદ્ધ અણ્ણા વધુ કામયાબ ગણાય... ઉંમર નહીં નેતાની નિષ્ઠા, દેશભક્તિ જોવાય.
વાઈડ બોલ પાંચ સેકંડ હસવાથી તમારો ફોટો સારો આવે છે. જો કાયમ હસતા રહો તો જિંદગી સારી જશે.

Apr 23,2011

No comments: