Tuesday, January 18, 2011

‘મારા સળીના પ્રયોગો’

મહાત્મા ગાંધીએ સત્યના પ્રયોગો કર્યા હતા અને પુસ્તક પણ લખ્યું. ‘મારા સત્યના પ્રયોગો’. પણ એક નાટયકારને લાગ્યું કે આ સમયમાં તો સત્ય નહીં પણ અસત્ય જ ચાલે. એટલે એણે લખ્યું, ‘મારા અસત્યના પ્રયોગો’ એ નામે નાટક પણ રજૂ કર્યું. આ નાટક કેટલું ચાલ્યું તેની ખબર નથી પણ પાર્લામાં લેખકો સામે આ નાટક ભજવાતું હતું ત્યારે એક અધ્યાપકે વાંધો લીધો કે તેમાં સુરુચિ ભંગ કરે તેવા સંવાદો છે. એટલે તે વખતે તે નાટક આગળ ચાલ્યું ન હતું. એ વાતમાં સત્ય હતું કે અસત્ય એવી ચર્ચા થઈ પણ નાટક બંધ થયું. આ જમાનામાં અસત્ય ચાલતું હશે પણ અસત્યના પ્રયોગો ત્યારે નો’તું ચાલ્યું.

છગનને મિત્રો સળીબાજ તરીકે ઓળખે છે. છગન પણ ભવિષ્યમાં ‘મારા સળીના પ્રયોગો’ લખવા ધારે છે. સત્ય ચાલે અસત્ય પણ ચાલે, પણ સમાજમાં સળીબાજી તો ચાલવાની જ.

છગનની પોળમાં એક વામનભાઈ રહે. એક વાર એક ગ્રામ્યજન તેમનું ઘર શોધતા પોળમાં પ્રવેશ્યા. તેમણે છગનને પૂછયું, “ભાઈ, આ વામન ભટ્ટનું ઘર ક્યાં આવ્યું?”

સવાલ સાંભળતા જ છગનનો સળીબાજ આત્મા સળવળ્યો. પોળમાં વામનભાઈને તેમના શત્રુઓ અથવા સામેના ગ્રુપના લોકો વામન ઝંડો કહેતા હતા.

છગને એકદમ ઠાવકું મોઢું રાખી કહ્યું, “આ ગલીમાં આગળ જાવ, પછી કોઈને પણ પૂછશો કે વામન ઝંડાનું ઘર ક્યાં આવ્યું કે તુરંત તમને બતાવશે કોઈ તકલીફ નહીં પડે”.

ગામડેથી આવેલા તે સજ્જન એકદમ સરળ હતા અને થાકેલા પણ હતા. ઝટ ઘર મળી જશે તે જાણી એકદમ ખુશ થઈ ગયા. એમણે ચાલવા માંડયું - દૂર એક ઓટલા ઉપર એક ભાઈને ઊભેલા જોયા. આને પૂછવાનું ઠીક રહેશે તેમ સમજી તેની પાસે ગયા. અને ઓટલે ઊભેલા ગૃહસ્થને પૂછયું, “અરે ભાઈ, વામન ઝંડાનું ઘર ક્યાં?” પ્રશ્ન સાંભળીને ભાઈ ચમક્યા. સામે પ્રશ્ન કર્યો, “શું કહ્યું તમે?” પેલાએ પ્રશ્ન દોહરાવ્યો.” અરે ભાઈ, વામન ઝંડાને ઘેર જાવું છે એમનું ઘર ક્યાં આવ્યું?” જેમને આ પૂછવામાં આવ્યું હતું તે ખુદ વામનભાઈ ભટ્ટ હતા.

પોતાને ઝંડા તરીકે નવાજનાર આ શખ્સને જોઈ એમણે ઓટલા ઉપરથી સીધો જ કૂદકો માર્યો. વામનભાઈએ પૂછયું, “તમને કોણે વામન ઝંડો એવું નામ કહ્યું?”

છગન તો છટકવામાં માહેર, એ તો તુરંત જ સરકી ગયો.

વામનભાઈને સામેના ગ્રુપના બે-ત્રણ ઉપર શંકા ગઈ. તેમણે તેમને ખૂબ ચોપડાવી. માણસ ભેગું થઈ ગયું.

છગન ત્યારે એસ.એસ.સી.માં ભણતો હતો. મોડી રાત સુધી વાંચે. એક વાર રાતના સાડા ત્રણ થયા હશે. વાંચીને કંટાળેલા છગનને ‘ફ્રેશ’ થવાનું મન થયું. તેણે બાજુના મકાન પાસે જઈ બહાર પડેલી સાયકલની ઘંટડી અમુક લયમાં વગાડી અને બૂમ પાડી ‘દૂઉઉધ’ (દૂધ) બીજે માળે રહેતાં કમળાકાકીને થયું દૂધ આવી ગયું લાગે છે. રાતના સાડા ત્રણ વાગ્યે. આંખો ચોળતાં ચોળતાં લાકડાના દાદરા પરથી નીચે ઊતર્યાં.

હાથમાં તપેલી અને ઓટલે ઊભા ઊભા ચારે બાજુ જોવા માંડયાં કે દૂધવાળો ક્યાં ગયો?

વર્ણસગાઈ વાપરીને કહેવું હોય તો કહેવાય, ‘કમળાકાકીએ કકળાટ કર્યો’.

છગનના સળીના અનેક દાખલા છે. છગન ‘મારા સળીના પ્રયોગો’ એવું પુસ્તક લખવા ધારે છે. એ માને છે કે ભવિષ્યના સળીબાજોને તેમાંથી માર્ગદર્શન મળશે.

ગૂગલી

એક જણ બેહોશ થઈ દુકાન પાસે પડયો.

કોઈકે કહ્યું, ‘એને કાંદા સૂંઘાડો, ડૂંગળી સૂંઘાડવાથી બેહોશી દૂર થાય છે.’

‘ક્યાંથી સૂંઘાડે? ડુંગળીનો ભાવ સાંભળ્યા પછી જ એ બેહોશ થઈ ગયા છે’.

No comments: