Wednesday, May 19, 2010

બહુ ગરમી પડે છે નઈ!

મેચ ચાલી રહી છે.

બહાર જતા બોલને અડપલું કરવા જતા બેટ્સમેન વિકેટકીપરના હાથમાં ઝીલાઈ જાય છે. મેદાનમાં શોરબકોર થઈ જાય છે. જેથી કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા એક્ષપર્ટ કોમેન્ટેટર જાગી જાય છે.

કોમેન્ટેટર ફરજના ભાગરૃપે એક્ષપર્ટને તેનો અભિપ્રાય પૂછે છે. ‘સાહેબ આ આઉટ થયો તે અંગે શું કહેવું છે?’ કોમેન્ટેટર તો તંદ્રામાં હતો. પેલો કઈ રીતે આઉટ થયો તે વિશે બેખબર છે. છતા ‘એક્ષપર્ટ ઓપિનિયન’ આપવો એટલો જ જરૃરી છે, જેટલું બાવા માટે હિન્દીમાં બોલવું જરૃરી છે. એટલે એક્ષપર્ટશ્રી તુરંત કહેશે, ‘હી શુડ નોટ હેવ પ્લેઈડ ઈટ બોલ’ (એણે તે બોલને રમવાની જરૃર ન હતી). આ ચીલાચાલુ કોમેડી કોઈ પણ કરી શકે.

રાજકારણ અને ક્રિકેટમાં આ એક સામ્ય ગણી શકાય.

નિવૃત્ત રાજકારણીને ઠેકાણે પાડવા રાજભવન હોય છે તેમ ક્રિકેટ જેમણે છોડી દીધું છે કે ક્રિકેટે જેમને છોડી દીધા છે તેવા ક્રિકેટરનું આશ્રયસ્થાન કોમેન્ટ્રી બોક્સ છે. તે તેમનું ‘રાજભવન’ છે.

રાજભવનમાં કોઈ ખાસ કામ નથી હોતું તેમ આ એક્ષપર્ટ કોમેન્ટેટરોને ખાસ કામ નથી હોતું. પણ ઝોકું ખાતા ખાતા એક્ષપર્ટ ઓપિનિયન જાહેર કરી દેવાનો હોય છે.

ઝબકીને જાગી ગયા પછી એક્ષપર્ટ ઓપિનિયન કઈ રીતે અપાય? પણ એ નિષ્ણાતો છે, આવા પ્રસંગે અભિપ્રાય આપવામાં પણ નિષ્ણાત હોય છે. એટલે એવા સમયે મલકાટથી કહે ‘હી શૂડ નોટ હેવ પ્લેઈડ ધેટ બોલ’ એણે બોલને રમવો જોઈતો ન હતો, અને મંતવ્ય પૂરું. આપણા બધામાં આવો નિષ્ણાત પડેલો છે. મેં છેલ્લા દસ દિવસમાં નિરીક્ષણ કર્યું છે. જે કોઈ મળ્યા છે, તેમણે જાહેર કર્યું છે, ‘આ વખતે ગરમી બહુ છે.’ ભોગીલાલને સિંદબાદ જ્યારે પણ મળે ત્યારે ‘આ ઉનાળામાં બહુ ગરમી છે’ એવું એ લગભગ દરેક ઉનાળામાં કહે છે અને આવતા દરેક ઉનાળામાં કહેશે.

છગન બૂમ પાડે છે, ‘બોસ બહુ ગરમી છે આ વખતે.’ અરે ભાઈ ઉનાળો છે, ગરમી નહીં પડે તો શું બરફના ચોસલા પડશે?

‘તમારા અમદાવાદમાં ગરમી બહુ લાગે...’ ભાવનગરથી આવેલા તમને કહેશે. હકીકતમાં એ દિવસે ભાવનગરમાં અમદાવાદ કરતાં વધુ ગરમી નોંધાઈ હોય! ધ્રાંગધ્રામાં જે દિવસે ૪૭ ડીગ્રી ગરમી પડી હતી એ દિવસે પણ ધ્રાંગધ્રાથી અમદાવાદ આવેલા, અમદાવાદની ગરમી વિશે એક્ષપર્ટ અભિપ્રાય જાહેર કરતા હતા. મળીએ ત્યારે ગરમી વિશે વાત કરવી એ ‘ઉનાળુ ફેશન’ છે. બહારગામથી આવેલા ‘તમારા અમદાવાદમાં ગરમી સહન ન થાય હોં...!’ એ જાણે અલાસ્કાથી આવ્યા હોય તેવી વાત કરે.

‘ટૂ બ્રેક ધ ચાઈસ...’ એવો એક રૃઢિપ્રયોગ છે. એટલે કે વાતની માંડણી કરવી. આ માંડણી કરવા માટે ઉનાળો હાથવગો છે. એટલે શરૃઆત થશે, આ વખતે તો ગરમીએ હદ કરી છે. અને એક્ષપર્ટ કોમેન્ટેટરની જેમ પછી ફેંકવાનું જ હોય છે... ‘હા.. સા... બહુ ગરમી છે, આ સાલ...’ દર સાલ આવું બને છે અને દર સાલ આવું બનશે એવી મારી એક્ષપર્ટ તરીકે તે આગાહી છે.

ગૂગલી

છગનને ક્રિકેટનો જબ્બર શોખ, પણ મેચ વખતે ટીવી બંધ હતું. એણે કહ્યું,

‘દેખ સકતા હૂં મૈં કુછ ભી હોતે હુએ નહીં મેં નહીં દેખ સકતા, ભારત કો હારતે હુએ.’

Monday, May 17, 2010

દહીંનો ઘોડો છૂટમૂટ

એક સ્ત્રીને તેના પતિએ કહ્યું, ‘‘હું તારા ગળા માટે સુંદર નેકલેસ લેવાનો છું.’’

સ્ત્રીના ચહેરા ઉપર સ્મિત પણ નહીં, ખુશી પણ નહીં. એના મુખભાવ ઉપર કોઈ પરિવર્તન નહીં.

એ સ્ત્રીની નણંદે આ જોયું અને બોલી, ‘‘ભાભી, મારો ભાઈ, તમારા ગળા માટે મજાનો નેકલેસ લેવાની વાત કરે છે અને તમે કશો જ પ્રતિભાવ બતાવતા નથી! તમે રાજી નથી?’’ ત્યારે તે મહિલા બોલી, ‘‘નણંદબા, અફઝલ ગુરુના ગળામાં ફાંસીનું દોરડું આવશે તેવું વર્ષો પહેલાં કહેવાયું હતું કે નહીં?’’

‘‘હા’’

‘‘કસાબના ગળામાં ફાંસીનું દોરડું પડશે તેવી જાહેરાત થઈ, પણ તેનો અમલ ક્યારે થશે તે કહો.’’

‘‘એ તો ખબર નથી.’’

‘‘બસ એવું જ છે. તમારા ભાઈની જાહેરાત છે અમલની ખાતરી નથી. હું શું કામ રાજી થાઉં? કસાબના ગળામાં ફાંસીનું દોરડું અને મારા ગળામાં નેકલેસ જ્યારે પડે ત્યારે જ સાચું મનાય. બાકી જાહેરાતે હરખપદુડા થઈ ફટાકડા ફોડવાવાળી હું નથી!’’

+++++++

તારીખ છઠ્ઠી મે, ૨૦૧૦ના દિવસે કસાબને ફાંસીની સજાની જાહેરાત થઈ. એ જ દિવસે છગનના પુત્રની શાળાની પરીક્ષાનું પરિણામ હતું. છગનનો પુત્ર છઠ્ઠા ધોરણમાં પાસ થયો છે. હવે તે સાતમા ધોરણમાં આવશે તેમ શાળાના આચાર્યે કહ્યું. હવે જૂન માસના બીજા સપ્તાહમાં તે સાતમા ધોરણમાં જરૃર આવશે, તેના પરિણામનો અમલ થઈ ગયો હશે, તે સાતમા ધોરણમાં હશે. પણ કસાબના પરિણામનો અમલ?

અલ્લાહ જાને ક્યા હોગા આગે? મૌલા જાને ક્યા હોગા આગે? કદાચ આ ગીત એના માટે જ લખાયું હશે.

+++++++

નર્મદાના બંધ ઉપરથી ઘણા પાણી વહી ગયાં છે. સાબરમતી રિવરફ્રન્ટમાં પણ ઘણા પાણી વહી ગયાં છે.

સરકારી તિજોરીમાંથી ઘણાં નાણાં કસાબને રાખવા માટે, સાથે તાજો રાખવા માટે ખરચાઈ ચૂક્યાં છે.

સેંકડો માણસને મારનાર માટે, લાખ્ખો કરદાતા પૈસા ચૂકવી રહ્યા છે.

કસાબને ક્યારે ફાંસી થશે? એવું પુછાયું ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝના શબ્દો અભ્યાસી અનિકેતે કહ્યા, ‘‘બ્રિટિશ સરકાર પાસે મને મારી શકે તેવી બુલેટ હજી આવી નથી.’’

આતંકવાદીઓના દરિયાપાર બેઠેલા આકા હૂકો પીતાં પીતાં કહેતા હતા, ‘‘કસાબને લટકાવી શકે તેવું દોરડું હજી ભારતમાં બન્યું નથી.’’

+++++++

સિંદબાદ કહેતો હતો રાષ્ટ્રની સંસદ ઉપર હિચકારો હુમલો કરનાર અફઝલને ફાંસી હવામાં ઝૂલે છે. અફઝલ હવામાં ઝૂલવો જોઈએ એના બદલે તેની સજા હવામાં ઝૂલે છે.

સિંદબાદ એક ભાવિ દૃશ્યની કલ્પના કરે છે. અનેક કેલેન્ડર્સ દીવાલ ઉપરથી અદૃશ્ય થઈ ગયાં છે. કસાબને ફાંસી અપાઈ નથી... એવામાં એક ખરાબ સવારે સમાચાર આવ્યા. ખૂબ જ મોટા ગજાના, ખૂબ ખૂબ મોટા નેતાના પુત્રનું આતંકવાદીઓએ અપહરણ કર્યું છે. સિંદબાદ કહે છે તેમ કોઈ પણ નેતાના પુત્રનું નામ તમારી કલ્પના મુજબ લઈ શકો છો.

દેશમાં હાહાકાર થઈ ગયો. ફિલ્મી વિલનની શૈલીમાં અપહરણકારે કહ્યું, ‘‘તુમ્હારા બેટા હમારે કબજે મેં હૈ, ઉસકો છુડાને કી શર્ત હૈ.’’

‘‘કવિએ ભલે કહ્યું હોય કે પ્યારમાં શર્ત ન હોય પણ ક્રાઈમમાં શર્ત હોય છે.’’ ભારે બહસ ચાલે છે. કસાબ કરતાં એ નેતાપુત્ર કીમતી નથી? સટોડિયા પણ નેતાનો પુત્ર છૂટશે કે નહીં તેની ઉપર સટ્ટો ખેલવા માંડયા હતા. આખા દેશમાં ગરમી આવી ગઈ હતી. મીડિયાવાળા આપણા ગુપ્તચર તંત્ર ઉપર માછલાં ધોઈ રહ્યું હતું. મોટા નેતાઓએ ભૂતકાળના દાખલા આપ્યા. એક વાર ગૃહપ્રધાનની પુત્રીને બચાવવા સરકારે કેટલાક આતંકવાદીઓને છોડયા હતા. (સરકારે ચૂકવેલું દહેજ ગણાય તેવું સિંદબાદ ઉમેરે છે).

તો આંખે પાટા બાંધેલી ગાંધારીના મુલ્કમાંથી બાનને છોડવવા ખૂંખાર ત્રાસવાદીઓને છોડેલા જ છે. છેવટે નેતાપુત્રની મુક્તિની શરત પ્રમાણે અમુક કરોડ રૃપિયા સાથે કસાબને સરહદ સુધી સલામત મૂકી દેવામાં આવ્યો. નેતાપુત્ર પરત આવ્યા. દહીંનો ઘોડો છૂટમૂટ...

Tuesday, May 11, 2010

કડકા પોલિશ... કરે બૂટ પોલિશ...

મેરા ભાઈ મહાન... આવી લાગણી કેટલાક નાના ભાઈઓને થતી હતી અને તેની ચર્ચા ચાલતી હતી.

મારો ભાઈ તો વિદ્યાસહાયક છે તેને હવે પાંત્રીસસો રૂપિયા મહિને મળશે’.

અરે, મારો ભાઈ તો એક કંપનીમાં ક્લાર્ક છે. દર મહિને તે ત્રણ હજાર રૂપિયા મેળવે છે’.

ત્રીજાએ પણ સૂર પૂરાવતાં કહ્યું મારો ભાઈ તો છકડો ચલાવે છે. ભાડાની રીક્ષા છે, છતાં મહિને પાંચ-છ હજાર રૂપિયા રળી લે છે’.

બધા નાના ભાઈઓ તેમના મોટાભાઈ રામ કેવા બાણાવળી છે તેની વાતો કરતા હતા.

દરેકના મોટાભાઈ કંઈક ને કંઈક કામ કરી રહ્યા હતા અને મોંઘવારી સામે લડી રહ્યા હતા.

એક રમૂજ યાદ આવે છે. એક ગૃહસ્થને ચાર દીકરા હતા. ચારે જણ કામ ધંધે લાગી ગયા હતા. કોઈકે પૂછયું તમારા દીકરાઓ શું કરે છે? ઉક્તિ છે ને દી-વાળે ઈ દીકરાએ ભાઈએ પણ થોડા ગૌરવથી કહ્યું, મારો મોટો દીકરો હમણાં જ ડોક્ટર થયો છે, દવાખાનું ખોલ્યું છે.

વાહ-વાહ. બીજો શું કરે છે?’

બીજો વકીલ બન્યો છે. રોજ સવારે કોર્ટમાં જાય’.

ઘણું સરસ...

ત્રીજો ગ્રેજ્યુએટ થઈ ગયો પછી એક ઓફિસમાં ક્લાર્ક તરીકે છે.

એ પણ સારું કહેવાય, ધીરે ધીરે આગળ આવશે, ચોથો દીકરો શું કરે છે?’

એ ભણ્યો નહીં, એણે હેરકટિંગ સલૂન કર્યું છે.

એને શું કામ ભેગો રાખો છો? એને અલગ કરી દો.

નથી થાય તેમ.

કેમ કેમ?’

બધાનું પૂરું એ જ કરે છે. એટલું કમાય છે..

એટલે કે કમાવું તે કસબની વાત ગણાય...

આગળ આપણે નાના ભાઈઓની ચર્ચા કરતા હતા, તેઓના મોટાભાઈઓની કમાણીમાં પણ એવું જ થયું. છેલ્લે એક ગાંધીનગરના છોકરાએ કહ્યું મારો મોટોભાઈ પણ કામ કરે છે, કમાય છે અને મને ભણાવે છે’.

એમ! એ શું કરે છે?’

એ ગાંધીનગરમાં બૂટ-પોલિશ કરે છે.

બસ! મહિને પાંચસો-સાતસો માંડ કમાતો હશે તારો ભાઈ.

ના, બૂટપોલિશમાં તે મહિને પંદર હજાર રૂપિયા કમાઈ લે છે.

વાત ખરી ગાંધીનગર પોલિશનું નગર છે. સિંદબાદના કહેવા પ્રમાણે ગાંધીનગર મસ્કા પોલિશનું નગર છે. રોજનું ટનબંધ મસ્કા પોલિશ ત્યાં થાય છે.

ત્યાં આ યુવક સવારથી સાંજ બૂટ પોલિશનું કામ કરે છે. મહિને સહેજે પંદર હજાર કમાઈ લે છે. વધુ કામ થઈ શકે એ માટે તે કાઇનેટિક હોન્ડા ઉપર ફરે છે તેનાં સાધનો તે કાઇનેટિક ઉપર રાખે છે. સવારે તે ગાંધીનગર એસટી ઉપર હોય પછી પથિકાશ્રમ ઉપર હોય. નગરના જુદા જુદા વિસ્તારમાં તે સ્કૂટર ઉપર ફરે અને જૂતાં પોલિશ કરે છે. આ લખતાં લખતાં કિશોરનું ગીત યાદ આવી જાય છે. જૂતા પોલિશ કરેંગા ફીર ભી તૂમ પર મરેંગા.આ યુવક મરવા માટે નહીં પણ જીવવા માટે અને કુટુંબીને જિવાડવા માટે જૂતાં-પોલિશ કરે છે. બૂટ-પોલિશમાં તે ઓફિસરનો પગાર પાડે છે. લોકોના બૂટ ચમકાવે છે અને તેનું ખિસ્સું પણ ચમકે છે.

વર્ષો પહેલાં આવેલી એક ગુજરાતી ફિલ્મમાં નાયક બૂટ-પોલિશ કરતો હોય છે અને ગાતો હોય છે. કડકા પોલિશ... કડકા પોલિશ કરે બૂટ પોલિશ.

પણ આ યુવક બૂટ-પોલિશ કરે છે, પણ કડકો નથી. રાજકપૂરની ફિલ્મ બૂટ-પોલિશના બાળનાયકોને બૂટ-પોલિશ કરવા છતાં પૈસા નથી મળતા. પણ ગાંધીનગરના વાસ્તવિક જીવનના નાયકે કુનેહ મેળવી છે. સ્કૂટર ઉપર ફરીને બૂટ-પોલિશ કરે છે. પ્રગતિ જોતાં કાલે તે મારુતિ કારમાં ફરીને પણ બૂટ પોલિશ કરશે તેમ લાગે છે. આ ભાઈ તેના નાનાભાઈને ભણાવવા માગે છે. સવાલ એ થાય છે શું ભણી ગણીને તેનો નાનોભાઈ બૂટ-પોલિશ કરતા મોટાભાઈ જેટલું કમાઈ શકશે?

વાઈડ બોલ

પ્રીતમ લખલાણી અમેરિકાસ્થિત કવિ છે. પરિષદના માસિક પરબમાટે તેમણે મકરંદ દવે માટે લેખ મોકલેલો. મહિનાઓ સુધી તે લેખ ન છપાયો, જેવું મકરંદભાઈનું અવસાન થયું કે તુરંત એ લેખ છાપી નાંખ્યો.

લખલાણી કહે : મારી પાસે ભોળાભાઈ અને રઘુવીર વિશેના લેખો તૈયાર હતા, પણ આ પદ્ધતિ જોતાં મેં એ લેખો ન મોકલ્યા.

પા-જી-દાદા-ભાઈ...(બાજી ફિટાઉંસ)

એક બંગાળી પત્રકારે નોધ્યું કે પંજાબના પ્રભાવ હેઠળ આપણા ક્રિકેટમાં પા-જી શબ્દ લોકપ્રિય થઈ ગયો છે. ઉત્તરપ્રદેશનો રોહિત શર્મા પણ કહે કે એનો આદર્શ યુવી-પા-જી છે’ (યુવરાજ) શાળામાં હતા ત્યારે ક્લાસ મોનિટર કુમાર હતો. ત્યારે થતું આ ઘરડો થશે ત્યારે પણ કુમાર જ કહેવાશે. યુવરાજનું એવું કહેવાયને!

હરભજન ભજ્જીને પણ જુનિયર પાજી કહે છે. કપિલદેવ કપિલ-પાજી તરીકે જાણીતા હતા. એન્ડ્રયુ સાયમન્ડ અને શ્રીસંતને તો હરભજન ખરેખર પાજીલાગતો હશે. એક બંગાળી પત્રકારે લખ્યું છે કે બંગાળમાં તો પાજી બદમાશને કહેવામાં આવે છે. ગુજરાતમાં પણ પાજી બદમાશના અર્થમાં વપરાય છે. ભલે પંજાબમાં પાજી સન્માનસૂચક હોય ગુજરાતમાં નથી. ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર હવે ઉંમરમાં મોટા થઈ ગયા છે. ગમે ત્યારે ફાળકેગ્રસ્ત થઈ જશે. તેને પણ નવા કલાકારો પાજી કહે છે.

પેલા બંગાળી પત્રકારો જે માનતા હોય તે પણ દરેક પ્રદેશ કંઈક ને કંઈક આ રીતે પ્રદાન કરે છે. બંગાળે દાદા શબ્દ આપ્યો. ગાંગુલી દાદા તરીકે વધુ જાણીતા છે. ગુજરાતમાં જેમ પાજીને બદમાશ માનવામાં આવે છે તેમ ગુજરાતમાં કેટલાંક મહાબદમાશો દાદા તરીકે ઓળખાતા હોય છે. ગુજરાતીમાં દાદા બે પ્રકારના હોય છે. એક કુટુંબના દાદા બીજા સમાજના દાદા, કુટુંબના દાદા સમાજના સજ્જન હોય. સમાજના દાદા સામાન્યતઃ અસામાજિક પ્રવૃત્તિવાળા હોય. કુટુંબના દાદાને લોકો પાટે બેસાડે સમાજના દાદાલોકોને ખાટે સુવાડે. એક આવા દાદા ગૌરવપૂર્વક કહેતા હતા કે ઓર્થોપેડિક વોર્ડમાં કણસતા લોકો એના હાથનો માર ખાઈને આવેલા લોકોથી ભરેલો છે.

મહારાષ્ટ્રમાં પણ દાદા ગૌરવવંત ગણાય છે. મોટાભાઈ દાદા છે. ગુજરાતમાં ભાઈદાદાછે.

સૌરાષ્ટ્રનું પણ શબ્દોમાં કે મોભા માટે વપરાતા વિશેષણમાં આગવું પ્રદાન છે તે છે ભાઈસૌરાષ્ટ્રવાળા અટકની પાછળ ભાઈ લગાડી દે છે. તે ક્યારેક અટક નહીં પણ મુખ્ય નામ હોય તેવું લાગે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર છે. કાઠિયાવાડમાં તેઓ ઢેબરભાઈ તરીકે જ ઓળખાયા. તે રાજકોટને બદલે અમદાવાદમાં હોત તો ઉછરંગભાઈ કે ઉછંગભાઈ હોત પણ રાજકોટમાં તે ઢેબરભાઈ થઈ ગયા. એક મુસ્લિમ બેંક ઓફિસરની અટક ભાઈસાહેબ હતી. તેઓ સૌરાષ્ટ્રમાં હોત તો ભાઈસાહેબભાઈ બની ગયા હોત.

યુ.પી.વાળા અટકની પાછળ જીલગાડી દે છે. જેને કારણે મોહનલાલ ગાંધી - ગાંધીજી બની ગયા. ગાંધીજી પોરબંદર જ રહ્યા હોત તો તેઓ ગાંધીભાઈ હોત, એમનો સાથીદાર કહેતો હોત ગાંધીભાઈ, હવે એકાદ સત્યાગ્રહ થાવા દો.સૌરાષ્ટ્રમાં જો ઓબામા રહેવા આવે તો તે પણ ઓબામાભાઈ થઈ જાય.

અત્યાર સુધી બીજા પ્રદેશો તેમની વાનગીથી જાણીતા થતા. મદ્રાસના ઢોંસા ભારતના દરેક ખૂણે તો ઠીક પણ અમેરિકા-ઈંગ્લેન્ડમાં પણ પહોંચી ગયા છે. પંજાબી શાક પણ વિશ્વવ્યાપી ગણાય. ગુજરાતી ખમણ-ઢોકળાં પણ ફેલાઈ ગયા છે. ત્યારે પંજાબી શબ્દો કે બંગાળી શબ્દો પણ ફેલાય જ ને! બંગાળી લોકોએ રસગુલ્લા-સંદેશ ફેલાવ્યા. સાથો સાથ દાદાશબ્દ જાણીતો થયો. પંજાબીઓએ પા-જી શબ્દ જાણીતો કર્યો. ટીવી.ના કારણે તે વધુ જાણીતો થયો છે. શું કહો છો પા-જી? પંજાબી ગુજરાતી બંનેમાં પૂછવું. ન લાગું પડતું હોય તે છેકી નાખવું!

ગૂગલી

હું તમને સફળતા નહીં પણ નિષ્ફળતાનો નૂસખો આપી શકું છું, એ છે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન.

- હર્બટ બયાર્ડ (અમેરિકન પત્રકાર)

Wednesday, April 21, 2010

સમસમી જવામાં સાર છે 21 04 2010


સિંદબાદે કહેવા માંડયું કે, ‘તમે એટલા કડવા ન બનો કે લોકો તમને થૂંકી કાઢે, પણ એટલા બધા મીઠાં પણ ન બનો કે લોકો તમને ચાવી ખાય.

બોસ લાગે છે કે લોકો આપણને ચાવી ખાય છે.

કેમ શું થયું? સિંદબાદ!

બોસ, કરોડો ભારતીયોનાં હૃદયમાં આદરભર્યું સ્થાન ભોગવતા પૂજ્ય કૃષ્ણ અને રાધાજીને પેલા લોકો લીવ-ઈન-રિલેશનશીપવાળાં કહે છે.

તો

તો આપણે શું કરીએ?’

આપણે ત્યારે સમસમી જવાનું બસ!

એમ?’

હા, સમસમી જવું એ જેવી તેવી બાબત નથી, ડેન્માર્કના એક કાર્ટૂનિસ્ટે પયગંબર સાહેબનું કાર્ટૂન દોર્યું. તો આપણા એક નેતાએ તેને મારવા માટે એક કરોડ રૃપિયાનું ઈનામ જાહેર કર્યું. તેઓ સમસમી શક્યા ન હતા પણ બુદ્ધિજીવીઓએ સમસમીને આ વાતને અણદેખી કરી.

બોસ, થોડાં વર્ષો પહેલાં બેંગલોરમાં એક કિસ્સો બન્યો હતો. એક હોલિવૂડ નિર્માતા શૂટીંગ માટે ત્યાં આવ્યા હતા. તેમાં કુરાનનું પુસ્તક બતાવવાનું હતું, તેમણે તુરંત જ બજારમાંથી મંગાવ્યું. પછી ખ્યાલ આવ્યો કે પુસ્તક સાવ નવું છે. ફિલ્મમાં પુસ્તક જૂનું હોવું જોઈએ. એટલે ડાયરેક્ટરે તે પુસ્તકને જૂનું બનાવવા વિચાર્યું. જે રીતે બૂટપોલિસફિલ્મમમાં બેબી નાઝે પહેરેલું ફ્રોક ફાટેલું છે તે બતાવવા રાજ કપૂરે નવા ફ્રોકને કાતરથી કાપી નાંખ્યું હતું. આમાં દિગ્દર્શકે પુસ્તકને ચાની તપેલીમાં બોળ્યું. જેથી પાનાં પીળાં પડેલાં દેખાય. યુનિટમાં સ્પોટ બોય તરીકે યુસૂફ કે યુનૂસ નામે યુવાન હતો. તેણે બજારમાં જઈ હો-હા કરી કે પવિત્ર-કુરાનનું અપમાન થયું છે. અને એ દિવસે બેંગલોરમાં કેટલીક સરકારી બસો બાળી નાંખવામાં આવી. તોડફોડ પણ થઈ. સિંદબાદ કહે છે જો આ જ ગણિત પ્રમાણે ભગવાન કૃષ્ણ અને રાધાજીની ટિપ્પણીનો હિસાબ થાય તો?’

તો ભારતની એક પણ બસ બચે નહીં.

પેલા હોલિવૂડ ડાયરેક્ટરે કહ્યું હતું કે મેં કોઈ ગ્રંથ વિશે ખરાબ કહ્યું નથી. કુરાનના કોઈ આદેશ વિશે ક્ષોભજનક બાબત બોલી નથી તો શા માટે હંગામો! સિંદબાદ કહે છે કે રાધાકૃષ્ણ કરોડો લોકોનાં આરાધ્ય છે. લોકો અભિવાદન કરવા માટે રાધે-ક્રિશ્ન કે જયશ્રી કૃષ્ણ કહે છે. એ લોકોને આવી ટિપ્પણીથી કેટલું બધું દુઃખ થતું હશે? એમની લાગણીઓ ઘવાઈ હશે - પણ બુદ્ધિજીવીઓ ચૂપ છે. શા માટે આ વિશ્વ હિન્દુ પરિષદનો જ મામલો ગણાય? કપિલ સિબ્બલ કેમ ચૂપ રહે?

ગાઉન ફગાવી ગૌરવ દર્શાવતા જયરામ - કૃષ્ણ માટે ચૂપ કેમ છે? આ કોઈ પ્રજા કે કોમની વાત ન ગણાય. સમગ્ર દેશ અને સમાજને સ્પર્શતી વાત છે. સિંદબાદ કહે છે ઠીક છે નહીંતર આપણે સમસમી જઈ બેસી રહેવું. બુદ્ધિજીવી ગણાઈ જઈશું.

Saturday, April 17, 2010

લગ્નની હેટ્રીક 17/04/2010

આપણા વિદેશ પ્રધાન શશી થરૃરને કોણ નથી ઓળખતું? તેઓ રાજ્યકક્ષાના પ્રધાન છે પણ લાગે છે તેઓ રાજા કક્ષાના પ્રધાન છે.

પહેલાંના વખતની રાજાઓની વાર્તામાં આવે કે એક રાજા તેને સાત રાણી. આ રાજ્યકક્ષાના રાજા ત્રણ રાણીની સંખ્યાએ પહોંચી જશે.

શશીજી શબ્દોથી ધરતીકંપ કરી શકે છે તે આપણે જોયું છે. વિમાનના ઈકોનોમી ક્લાસને ઢોરના ડબ્બાની ઉપમા આપી હતી, એ સિવાય વચ્ચે પણ એક-બે વાર તેમણે વિવાદાસ્પદ વિધાનો કરેલાં. ત્યારે લાગેલું કે ચંદ્ર (શશી) પૂનમનો મટી અમાસનો થઈ જશે. પણ ગ્રહણ લાગે એ પહેલાં જ મોક્ષ થઈ ગયો હતો. હવે શશીસાહેબે શબ્દથી ઝંઝાવાત જગાવવાની જગ્યાએ, કાર્યથી એક્શનથી એ કામ કર્યું છે.

શશીજી ત્રીજી વાર લગ્ન કરવાના છે. ત્રીજી વારના સમાચાર આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ અગાઉ બે વખત મંડપમાં બેસી ચૂક્યા છે. હાલ તેઓ એક કેનેડીયન મહિલા સાથે લગ્નથી જોડાયેલા છે. આપણા આ વિદેશ પ્રધાને સાસરું પણ વિદેશમાં જ પસંદ કરેલું.

આપણી લોકકથામાં આવતું કે ઘોઘાના રાજકુંવરે લંકાની લાડી પસંદ કરેલી, એ પછી વાસ્તવિકતામાં બીજા એક કાઠિયાવાડી ક્રિકેટર કરસન ઘાવરીએ લંકાની લાડી પસંદ કરેલી. પણ તેઓ પ્રધાન થઈ શક્યા નહોતા. ફક્ત ભારતીય ટીમના પ્રધાનબોલર હતા. પણ કેનેડાની યુવતી સાથે બીજાં લગ્ન કરેલા શશી થરૃર વિદેશ પ્રધાન બની શક્યા. વિદેશ સાથેના અનુભવના એક ભાગ તરીકે આ જોઈને કદાચ વડાપ્રધાને તેમને વિદેશ પ્રધાન બનાવ્યા હશે. થરૃરને પ્રથમ પત્નીથી બે પુત્રો છે. પ્રથમ પત્ની વિદેશી ન હતાં, પણ તેના બે પુત્રો વિદેશમાં છે. આ બંને પુત્રોને બાપની શાદી માણવાનો મોકો મળી શકે છે. બહુ જ ઓછા માણસોને બાપનાં લગ્નમાં જવાની તક મળે છે. આવી વિરલ તક પૂરી પાડવા માટે તેઓએ પિતાશ્રીનો આભાર માનવો જોઈએ. થરૃરના વિદેશ રહેતા પુત્રોને બાપનાં લગ્નમાં આવવાની ઇચ્છા થશે તો રજા માટેના પત્રમાં લખશે આઈ વોન્ટ ટૂ એટેન્ડ માય ફાધર્સ મેરેજએનો બોસ ભારતીય હશે તો વિચારમાં પડી જશે કે ફાધર ફ્યૂનરલમાટે રજા માગનાર હોય છે. આ ફાધર્સ મેરેજમાટે રજા માગે છે.

પ્રાચીન કાળમાં રાજાઓ પ્રવાસે કે મૃગયા કરવા નીકળે ત્યારે એકાદ રાણીનો વેંત કરતા આવે. આગળ કહ્યું તેમ એક હતો રાજા તેને સાત રાણી, શશીજી વિચારતા હશે કે રાજા તરીકેના વૈભવમાં તેઓ અડધે રસ્તે પહોંચી ગયા છે.

અર્જુન પાતાળલોકમાં ગયો ત્યારે ત્યાં લગ્ન કરેલાં તે કથા મહાભારતમાં છે. ભીમે હિડિમ્બા સાથે પ્રવાસમાં જ લગ્ન કરેલાં. આમ બિનનિવાસી સ્ત્રીઓને પરણવાનો રિવાજ હતો જ. થરૃરની ત્રીજી પત્ની પણ પરદેશી છે. તે હાલમાં દુબઈ રહે છે. એટલે વિદેશપ્રધાનને એક વધુ વિદેશી સાસરું મળશે. જોકે હાલના સમયનાં લગ્નની વાત કરીએ તો ઈલીઝાબેથ ટેલર આગળ શશી ક્ષીણ ચંદ્ર લાગે. ઈલીઝાબેથ ઈકોતેરમા વર્ષે નવમી વાર લગ્ન કરવાની છે. તે સામે ચોપ્પન વર્ષના થરૃર ત્રીજી વાર ઘર માંડે છે. ઈલીઝાબેથ ટેલરને હરાવવા માટે શશીજીએ ઝડપ વધારવી પડશે.

એક રમૂજ વાંચેલી કે એક યુગલ દેવળમાં લગ્ન કરવા જાય છે. પાદરી રાબેતા મુજબ વિધિ પહેલાં લગ્નનું જીવનમાં મહત્ત્વ સમજાવતો પાઠ વાંચે છે. ત્યારે લગ્ન માટે આવેલી મહિલાએ પાદરીને કહ્યું, ‘સાહેબ, અમને બંને જણાને આ વાત ખબર છે. અમે બંને જણા સાતમી વાર પરણી રહ્યાં છીએ. તમે કહો છો તે બધું જ અમે અગાઉ સાંભળી ચૂક્યાં છીએ, પ્લીઝ, લગ્નની વિધિ જ પતાવો.

શશીજીને પણ લગ્નવિધિ ઘણી ખરી પાકી થઈ ગઈ હશે. જો તેઓ આ બાબતમાં આગેકૂચ ચાલુ રાખશે તો એમને પણ લગ્નના શ્લોકો મોઢે થઈ જશે.ગોરની ભૂલ પણ બતાવી શકશે.

એ કદાચ બીજાનાં લગ્નોમાં ન ગયા હોય તો કહી શકશે, ‘ભલે જાનમાં નથી ગયો પણ પા ડઝન વાર શાદી કરી છે.

આપણા સાંસદો વિશે એક સર્વે હમણાં પ્રસિદ્ધ થયો છે તે પ્રમાણે લગભગ સો જેટલા સાંસદો કરોડપતિ છે. કેટલા સાંસદો કરોડપતિ છે એ ખબર પડી પણ કેટલા સાંસદો કેટલી પત્નીના પતિ છે એ ખબર નથી પડી. શશી થરૃરના કિસ્સા પછી એ પણ સર્વે થવો જોઈએ તેમ લાગે છે.

વાઈડ બોલ

શોએબ મલિક ઉપર પાકિસ્તાનમાં મેચ ફિક્સિંગનો આરોપ લાગેલો છે. તે અંગે ટોણો મારતા માથાફરેલા સફરાઝ ખાને કહ્યું, ‘હવે ટેનિસની મેચો પણ ફિક્સ થશે.

Tuesday, April 13, 2010

બિન શાદી-તલ્લાક

તાજેતરના એક ચમત્કારની વાત કરવી છે. શોએબ મલિકની ઘટનાની. એ માણસ (એને માણસ કહેવા બાબતે તમને વાંધો નહીં હોય એમ માની લઉં છું.) હજી થોડા દિવસ પહેલાં કહેતો હતો, કે એનાં લગ્ન થયાં જ નથી. એ આયેશા સિદ્દીકીને ઓળખતો નથી એમ એણે પીચ ઠોકીને કહ્યું. શોએબે કહ્યું આવી કોઈ સ્ત્રીને એ ક્યારેય મળ્યો નથી. જોઈ નથી હવે એ જ સ્ત્રી જેને એ મળ્યો જ ન હતો, જેની સાથે લગ્ન કર્યાં નથી તે આયેશાને એણે હવે છૂટાછેડા આપ્યા છે. જે સ્ત્રી અસ્તિત્વ જ ધરાવતી ન હતી. તે યુવતીને શોએબે છૂટાછેડા આપ્યા છે. આને શું કહીશું? નહીં ફેંકાયેલા બોલ ઉપર સિક્સર વાગી? આ ઘણો મોટો ચમત્કાર નથી? જેની સાથે લગ્ન કર્યાં જ નથી એ સ્ત્રીએ છૂટાછેડા આપવા એ એક વિરલ ઘટના છે. શોએબે દાવો કર્યો છે કે તેણે આયેશાને જોઈ જ નથી! હવે તેણે આયેશાને છૂટાછેડા આપ્યા છે. છગન પૂછે છે આ કઈ રીતે બને ન જોયેલી સ્ત્રી સાથે લગ્ન થાય ખરાં?

બની શકે, પહેલાંના વખતમાં રજપૂતો લગ્ન કરવાં જાતે ન જતા, પણ ખાંડુ (તલવાર) મોકલતા. કન્યાનાં લગ્ન ખાંડા સાથે થતાં. એવા કિસ્સામાં કન્યાએ વરને જોયો જ ન હોય, પણ લગ્ન કર્યાં હોય. શોએબના કિસ્સામાં શોએબે ખાંડાની જગ્યાએ પોતાનું બેટ મોકલી આપ્યું હોય અને લગ્ન થયાં હોય તો શોએબ કહી શકે કે તેણે તો કન્યા જોઈ જ નથી.

જે હોય તે, શોએબે લગ્ન કર્યાં જ નથી એ રટણ પછી છૂટાછેડા લીધા છે. બિન બાદલ બરસાતની જેમ બિન શાદી તલાક,ની ઘટના ગણાય કે નહીં? ચાચુ ચમત્કાર હો ગયા. ક્રિકેટમાં તો શોએબ પર પ્રતિબંધ છે જ, કદાચ સાનિયા સાથેનાં લગ્ન ઉપર પ્રતિબંધ આવી જાત. પણ મિયાં બચી ગયા. છતાં કહેવત પ્રમાણે તંગડી ઊંચી રાખે છે.

કેટલાંક કહે છે આ બબાલ પછી શોએબ મલિકની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ જશે. સાવ તેવું ન ગણાય. જે રીતે શોએબ ખોટા નિર્ણય લઈ શકે છે, એની ખોટા નિર્ણયની

ફાવટ એને પાકિસ્તાન ક્રિકેટના અમ્પાયર બનાવી શકે. ખરું કે નહીં?

---

શાહરુખ ખાને કપડાં ઉતારવાની જાહેરાત કરી છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ આ

કામ જો કે કરે છે. પણ આ કિસ્સામાં વાત અલગ છે. શાહરુખ ખાન આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો માલિક છે. એણે જાહેર કર્યું છે કે જો આઈપીએલમાં કોલકાતાની ટીમ જીતશે તો તે કપડાં ઉતારીને નાચશે. જો કે કોલકાતા ટીમ જીતે આ વાત - અસંભવ... વો દિન કહાં...? ટૂંકમાં શાહરુખને નગ્ન નહીં થવું પડે. તેની ઈજ્જત બચી જશે. એ રીતે કોલકાતાની હારમાં પણ જીત ગણાય.

કોલકાતા ટીમના કપ્તાન સૌરવ ગાંગુલી કપડાં ઉતારવાનું ટ્રેલરકેટલાંક વર્ષો પહેલાં બતાવી ચૂક્યા છે. ક્રિકેટના કાશી ગણાતા લોર્ડ્ઝ મેદાનમાં બનાવ બનેલો, ભારતીય ટીમ જીતી ત્યારે ગાંગુલી ખુશીમાં નાચી ઊઠેલો અને શર્ટ કાઢી હવામાં ઉછાળેલું - શાહરુખ ખાન જીતની ખુશી મનાવવામાં ગાંગુલીથી એક કદમ આગળ વધવા માગે છે એટલું જ.

પણ કોલકાતા જીતે અને શાહરુખને કપડાં ઉતારવાની નૌબત આવે તે બનવાનું નથી. પબ્લિસિટીનો તુક્કો છે.

વૌઠાના મેળામાં એક માલિકે તેના ગધેડાનું નામ શાહરુખ રાખ્યું હતું. અત્યારે શાહરુખ લોકોને ગધેડા બનાવી રહ્યો છે.